અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિમીની ઝડપે દોડશે દેશની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન, બેંગલુરુમાં નિર્માણ શરૂ

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિમીની ઝડપે દોડશે દેશની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન, બેંગલુરુમાં નિર્માણ શરૂ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારતના રેલવે ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) માટે દેશની પ્રથમ સ્વદેશી હાઈસ્પીડ ટ્રેનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. કર્ણાટકના બેંગલુરુમાં આવેલી BEMLની ફેસિલિટી ખાતે આ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. આ ટ્રેનની મહત્તમ ટેસ્ટિંગ સ્પીડ 280 કિમી પ્રતિ કલાક અને નિયમિત સંચાલન દરમિયાન ઝડપ 249 કિમી પ્રતિ કલાક રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ટ્રેનને ભારતીય હવામાન, મુસાફરોની જરૂરિયાતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

8 કોચમાં 557 મુસાફરોની ક્ષમતા

લગભગ 202 મીટર લાંબી આ બુલેટ ટ્રેનમાં કુલ 8 કોચ હશે. તેમાં 4 મોટર કોચ અને 4 ટ્રેઇલર કોચનો સમાવેશ થાય છે. ટ્રેનમાં આશરે 557 મુસાફરો બેસી શકશે. તેમાં 7 સ્ટાન્ડર્ડ ક્લાસ કોચમાં 3×2 સીટિંગ વ્યવસ્થા અને એક એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં 2×2 સીટિંગ વ્યવસ્થા હશે. મુસાફરોની સંખ્યા વધે ત્યારે બે 8 કોચવાળી ટ્રેનોને જોડીને 16 કોચની ટ્રેન તરીકે પણ ચલાવી શકાશે.

જાહેરાત

દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધા

ટ્રેનમાં દિવ્યાંગ મુસાફરો (Divyang Passengers) માટે બે વિશેષ બેઠકો રાખવામાં આવશે. પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ઊંચાઈનો તફાવત ન રહે તે માટે લેવલ બોર્ડિંગની વ્યવસ્થા હશે. વ્હીલચેર માટે અનુકૂળ દરવાજા, વિશેષ શૌચાલય અને બ્રેઇલ લિપિમાં સાઇનેજ પણ આપવામાં આવશે.

આધુનિક સુવિધાઓથી સજ્જ હશે ટ્રેન

મુસાફરોને દરેક સીટ પર મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ, લગેજ રેક, LCD સ્ક્રીન અને વાઇ-ફાઇ આધારિત મનોરંજન સિસ્ટમ મળશે. ઇમરજન્સી દરમિયાન ટ્રેનના સ્ટાફ સાથે વાતચીત કરવા માટે ટોક-બેક યુનિટ પણ હશે. દરેક કોચમાં આધુનિક HVAC સિસ્ટમ દ્વારા તાપમાન અને ભેજનું નિયંત્રણ કરવામાં આવશે.

ઊર્જાની બચત કરતી ટેક્નોલોજી

ટ્રેનમાં અવાજ અને કંપન ઘટાડવા સાઉન્ડ ઇન્સ્યુલેશન તથા એરોડાયનેમિક ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવશે. તે 25 kV AC વીજળીથી ચાલશે. સાથે જ રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ (Regenerative Braking System) હશે, જે બ્રેક મારતી વખતે ઉત્પન્ન થતી ઊર્જાને ફરી વીજળીમાં ફેરવી શકશે. આ સ્વદેશી બુલેટ ટ્રેન શરૂ થવાથી ભારતની હાઈસ્પીડ રેલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા (Self-Reliance) તરફ મહત્ત્વનું પગલું ભરાશે. જોકે, ટ્રેનનું નિર્માણ પૂર્ણ થયા બાદ પરીક્ષણ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત