અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનમાં ભૂકંપ સુરક્ષા માટે જાપાની ટેક્નોલોજી: ધરતીકંપના સંકેત મળતાં જ ટ્રેન આપોઆપ થંભી જશે

અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનમાં ભૂકંપની સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ જાપાનની શિંકાનસેન હાઈસ્પિડ રેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 508 કિમી લાંબા હાઈસ્પિડ રેલ કોરિડોર પર કુલ 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે. આ અત્યાધુનિક ઉપકરણો ભૂકંપની શરૂઆતમાં જ જમીનમાં ઉત્પન્ન થતી પ્રાથમિક 'પી' વેવને ખૂબ જ ઝડપથી ઓળખી લેશે.
આપોઆપ ટ્રેન રોકાઇ જશે
જ્યારે આ સિસ્મોમીટર દ્વારા ભૂકંપના સંકેતો મળશે, ત્યારે તરત જ અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ સક્રિય થઈ જશે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ અસરગ્રસ્ત રેલવે વિભાગમાં બુલેટ ટ્રેન માટેનો વીજ પુરવઠો આપોઆપ બંધ થઈ જશે. વીજ પુરવઠો બંધ થયાની સાથે જ તે વિસ્તારમાં દોડી રહેલી 320 કિમી પ્રતિ કલાકની ઝડપવાળી બુલેટ ટ્રેનને ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ દ્વારા સુરક્ષિત રીતે રોકી દેવામાં આવશે. ભૂકંપની ગંભીર અસરો સર્જાય તે પહેલાં જ ટ્રેનને અટકાવી દેવાની આ અદ્યતન પ્રક્રિયાથી મુસાફરોની સલામતીમાં મોટો વધારો થશે.
જાપાનતી ટેક્નોલોજી આયાત કરવામાં આવશે
આ 28 સિસ્મોમીટરમાંથી 6 સિસ્મોમીટર મહારાષ્ટ્ર અને ગુજરાતના ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે. જાપાનની અત્યાધુનિક ટેક્નોલોજી પર આધારિત આ સુરક્ષા વ્યવસ્થાના કારણે મુસાફરોને વધુ વિશ્વસનીય, આધુનિક અને સુરક્ષિત રેલ સફરનો અનુભવ પ્રાપ્ત થશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થનારી આ હાઈસ્પિડ રેલ સેવા દેશના રેલવે ઇતિહાસમાં એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.

