'મુંબઈ શ્રેણીબદ્ધ હુમલો રોકી શકાયો હોત, જો સંજય દત્તે....', વકીલ ઉજ્જવલ નિકમે કર્યા મોટા ખુલાસા
૨૦૦૭ માં જ્યારે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ ૬ વર્ષની જેલની સજા ફટકારવામાં

૨૦૦૭ માં જ્યારે સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ ૬ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી, ત્યારે વિટનેસ બોક્સમાં ઉભેલા અભિનેતા આઘાતમાં સરી પડ્યો હતો. એ સમયે સરકાર વતી કેસ લડી રહેલા વકીલ ઉજ્જવલ નિકમે તેને એક અદ્ભુત સલાહ આપી. રાજ્યસભા માટે નામાંકિત પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે જો સંજય દત્તે પોલીસને હથિયારોથી ભરેલી કાર વિશે જણાવ્યું હોત, તો ૧૯૯૩ ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોને રોકી શકાયા હોત.
મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 267 લોકોના મોત થયા હતા
રાજ્યસભામાં જવાની તૈયારી કરી રહેલા પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટ અંગે દાવો કરતા કહ્યું કે, જો સંજય દત્તે હથિયારોથી ભરેલી વાન વિશે પોલીસને માહિતી આપી દીધી હોત તો કદાચ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો ટાળી શકાયા હોત. 1993માં દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 267 લોકોના મોત થયા હતા.
શોખ હોવાથી AK 47 રાખી
વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું, 'હું ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે વિસ્ફોટ 12 માર્ચે થયો હતો. જેના એક દિવસ અગાઉ એટલે કે 11 માર્ચે હથિયારો ભરેલી વાત લઈને અબુ સાલેમ તેના ઘરે આવ્યો હતો. આ વાનમાં વિવિધ હથિયારો, હેન્ડ ગ્રેનેડ, AK 47 ભરેલા હતા. સંજય દત્તે કેટલાક હેન્ડ ગ્રેનેડ અને બંદૂકો લીધી હતી. એ પછી તેણે બધું પાછું આપ્યું અને ફક્ત એક AK 47 રાખી.'
પોલીસને બોલાવી લીધી હોત તો...
વકીલે કહ્યું, 'જો તેણે એ સમયે પોલીસને તેના ઘરે બોલાવી લીધી હોત, અને પોલીસે તપાસ કરી હોત તો મુંબઈ વિસ્ફોટ ક્યારેય ન થયા હોત.' નિકમે કહ્યું કે તેમણે દત્તના વકીલને પણ કહ્યું હતું કે AK 47 ન ચાલવી અને તેની પાસે હોવી અલગ વાત છે, પરંતુ તેના તરફથી પોલીસને જાણ ન કરવાને કારણે વિસ્ફોટ થયા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.
તે એક સીધો માણસ છે... હું તેને નિર્દોષ માનું છું
ઉજ્જવલ નિકમે કહ્યું કે, સંજય દત્ત ત્યારે નિર્દોષ હતો. તેને બંદૂકોનું આકર્ષણ અને શોખના લીધે તેમાંથી એક હથિયાર લીધું હતું.' કાયદાની નજરમાં તેણે ગુનો કર્યો છે, પણ તે એક સીધો માણસ છે... હું તેને નિર્દોષ માનું છું.' જણાવી દઈએ કે, કોર્ટે ટાડા કેસમાં દત્તને નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ તેને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે તેની 6 વર્ષની સજા ઘટાડીને 5 વર્ષ કરી હતી. આ સમય દરમિયાન દત્ત મહારાષ્ટ્રના પુણેની યરવડા જેલમાં બંધ હતો.
સંજય દત્ત સાથે શું વાતચીત થઈ?
નિકમે જણાવ્યું હતું કે આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સંજય દત્ત ચોંકી ગયો હતો. તેમણે કહ્યું, 'મેં તેની બોડી લેંગ્વેજ બદલાતી જોઈ. મને લાગ્યું કે તેને ઝાટકો લાગ્યો. તે કોર્ટના નિર્ણયથી ગભરાઈ ગયો. એ સમયે મેં સંજયને કહ્યું કે આવું ના કર. મીડિયા તને જોઈ રહ્યું છે. તમે સજાથી ડરતા દેખાશો તો લોકો તમને દોષી માનશે. તારી પાસે અપીલ કરવાની તક છે.








