Video: અયોધ્યામાં ૫૬ ઘાટો પર ૩0 લાખથી વધુ દીવાઓ થયા પ્રજ્વલિત

અયોધ્યામાં દીપોત્સવે સર્જ્યો ઐતિહાસિક રેકોર્ડ
૫૬ ઘાટો પર ૩0 લાખથી વધુ દીવાઓ થયા પ્રજ્વલિત
દીવાઓની અલૌકિક રોશનીથી ઝળહળી ઉઠી રામનગરી!
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યામાં ૧૦મા ભવ્ય દીપોત્સવનું શનિવારે અત્યંત દિવ્ય અને ઐતિહાસિક આયોજન સંપન્ન થયું છે. સૂર્યાસ્ત થતાં જ સરયુ નદીના કિનારે આવેલા ૫૬ ઘાટો પર લાખોની સંખ્યામાં દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા, જેના પરિણામે સમગ્ર રામનગરી 30 લાખથી વધુ માટીના દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠી હતી. આ અલૌકિક અને ભવ્ય નજારાના સાક્ષી બનવા માટે દેશના ખૂણે-ખૂણેથી જ નહીં પરંતુ વિદેશોથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં દરેકના મુખે માત્ર શ્રીરામ જય રામ, જય જય રામના જયકારા ગુંજી રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સતત ૧૦મી વાર આયોજિત આ દીપોત્સવમાં ઉપાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને રાજ્યપાલ આનંદીબેન પટેલે રામ કી પૈડી પર પ્રીતિપૂર્વક દીવા પ્રજ્વલિત કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ મંત્રીમંડળના સહયોગીઓ સાથે રામકથા પાર્ક ખાતે ભગવાન શ્રી રામ, માતા સીતા અને અન્ય દેવી-દેવતાઓની આરતી કરી હતી. મંચ પર સંતો અને મહાત્માઓની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામનું ભવ્ય પ્રતીકાત્મક રાજ્યાભિષેક કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને પૂર્ણપણે રામમય બનાવી દીધું હતું.
લેસર શો અને અદભુત રોશની વચ્ચે ગુંજી ઉઠ્યા 'શ્રીરામ જય રામ' ના જયકારા!
આ ભવ્ય મહોત્સવ દરમિયાન જ્યારે પુષ્પક વિમાન રૂપી હેલિકોપ્ટરથી ભગવાન રામ, લક્ષ્મીજી અને માતા સીતાની ભૂમિકા ભજવતા કલાકારો નીચે ઉતર્યા, ત્યારે આકાશમાંથી ભવ્ય ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત મુખ્યમંત્રી, મંત્રીઓ અને હજારો શ્રદ્ધાળુઓની આંખોમાં ભક્તિના આંસુ છલકાઈ આવ્યા હતા. આ સાથે જ રામ કી પૈડી પર યોજાયેલા અત્યાધુનિક લેસર શો અને ડ્રોન શોએ ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું, જેણે આ દીપોત્સવને હંમેશા માટે યાદગાર બનાવી દીધો છે. અયોધ્યામાં આ વિશાળ આયોજનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત ચાંપતી રાખવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ૨૦ ઝોન અને ૫૩ સેક્ટર વહેંચીને આશરે ૬ હજાર થી વધુ પોલીસ જવાનો, પીએમસી, આરએએફ અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી હતી. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અયોધ્યાના મઠ, મંદિરો, ચોક અને સરયુ ઘાટો પર પ્રજ્વલિત થયેલા આ 30 લાખ દીવાઓ માત્ર અંધકારને જ દૂર નહોતા કરતા, પરંતુ સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિ, શાંતિ અને દિવ્યતાનો અદ્ભુત સંદેશ પણ ફેલાવી રહ્યા હતા.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી













