UGCના નવા નિયમો સામે દેશવ્યાપી વિરોધ બાદ કેન્દ્રનું મોટું પગલું: સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 'વિશેષ સમિતિ કરશે પુનઃ સમીક્ષા'

UGCના નવા નિયમો સામે દેશવ્યાપી વિરોધ બાદ કેન્દ્રનું મોટું પગલું: સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 'વિશેષ સમિતિ કરશે પુનઃ સમીક્ષા'
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા અંગેના યુજીસી (UGC)ના નવા નિયમો સામે ભારે વિરોધ અને હોબાળો મચી જતાં આખરે કેન્દ્ર સરકારે નમતું જોખ્યું છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે વિવાદાસ્પદ ૨૦૨૬ના આ નિયમોની કલમવાર પુનઃ સમીક્ષા કરવા માટે એક ખાસ નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે.

યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા તેમજ ભેદભાવ અટકાવવાના હેતુથી 'યુજીસી (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન) નિયમો, ૨૦૨૬' અમલમાં લાવવામાં આવ્યા હતા.

જાહેરાત

આ નિયમો હેઠળ શૈક્ષણિક સંસ્થાઓએ સમાન તક કેન્દ્રો (Equal Opportunity Centres) ઊભા કરવા, નોડલ અધિકારીઓની નિમણૂક કરવી અને જાતિ, લિંગ, દિવ્યાંગતા તેમજ આર્થિક પૃષ્ઠભૂમિના આધારે થતા ભેદભાવની ફરિયાદોના નિવારણ માટે એક ચોક્કસ વ્યવસ્થા સ્થાપિત કરવી ફરજિયાત બનાવવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વાલીઓના એક વર્ગ દ્વારા આ નિયમોનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે, જેઓનું માનવું છે કે આ જોગવાઈઓ અસ્પષ્ટ છે અને તેના કારણે નિર્દોષ લોકોની સતામણી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અરજીઓમાં આ નિયમોને રદ કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં એવી દલીલ કરવામાં આવી છે કે આ નિયમો યુજીસીની સત્તા બહારના છે અને બંધારણનું ઉલ્લંઘન કરે છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, સરકાર સમાનતા માટે કટિબદ્ધ છે પરંતુ લોકોની ચિંતાઓ પ્રત્યે પણ સભાન છે. તેમણે કહ્યું કે આ નિયમોની કલમવાર (clause by clause) પુનઃ સમીક્ષા કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ વિદ્યાર્થી સંગઠનો, શિક્ષક સંગઠનો, વાઇસ-ચાન્સેલર્સ અને રાજ્ય સરકારો સહિતના તમામ હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ) સાથે ચર્ચા-પરામર્શ કરશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે આ ખાતરીની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે તે સમિતિના અહેવાલની રાહ જોશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સમિતિએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે નિયમો સ્પષ્ટ, ન્યાયી અને વ્યવહારુ હોય. સાથે જ અદાલતે એ પણ ટાંક્યું કે ઉચ્ચ શિક્ષણમાંથી ભેદભાવ નાબૂદ કરવાના વ્યાપક ધ્યેયને ભૂલવું ન જોઈએ. સમિતિ પોતાનો અહેવાલ સુપરત કરે તે પછી વધુ સુનાવણી માટે આ મામલો મોકૂફ રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સર્વોચ્ચ અદાલતે ૨૯ જાન્યુઆરીના રોજ જ આ ૨૦૨૬ના નિયમોના અમલ પર રોક લગાવી દીધી હતી.

તે સમયે કોર્ટે જણાવ્યું હતું કે આ જોગવાઈઓ "પ્રથમ દૃષ્ટિએ અસ્પષ્ટ" છે અને તેના "અતિશય ગંભીર પરિણામો" આવી શકે છે. કોર્ટે ચેતવણી પણ આપી હતી કે આ નિયમો સમાજમાં વિભાજન લાવી શકે છે અને તેની "જોખમી અસર" થઈ શકે છે.

કોર્ટે અગાઉ નિર્દેશ આપ્યો હતો કે, "બંધારણની કલમ ૧૪૨ હેઠળની અમારી સત્તાનો ઉપયોગ કરીને, અમે આદેશ આપીએ છીએ કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન) નિયમો, ૨૦૧૨ આગળના આદેશ સુધી અમલમાં રહેશે અને લાગુ રહેશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત