દિવાળી પહેલાં મુંબઈ પોલીસનું મોટું એક્શન: આ વિસ્તારોમાં ફટાકડા ફોડવા અને રોકેટ છોડવા પર કડક પ્રતિબંધ!

તહેવારોની મોસમ અને આગામી દિવાળીને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અત્યંત મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. ચેમ્બુર અને માહુલ રોડ વિસ્તારમાં આવેલી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ની ઓઇલ રિફાઇનરીઓ તથા તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ફટાકડા ફોડવા, ફેંકવા કે રોકેટ છોડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આગામી ૨ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
કયા વિસ્તારોમાં લાગુ રહેશે પ્રતિબંધ?
પોલીસ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, BPCL અને HPCL ની સ્થાપનાઓના બફર ઝોનથી ૫૦૦ મીટરના દાયરામાં ફટાકડા ફોડવા પર સખ્ત મનાઈ ફરમાવાઈ છે. આ પ્રતિબંધ હેઠળ નીચે મુજબના સંવેદનશીલ વિસ્તારો આવરી લેવાયા છે. જેમાં બંને ઓઇલ કંપનીઓના રિફાઇનરી પરિસર, માહુલ ટર્મિનલ વિસ્તાર, BDU પ્લાન્ટ વિસ્તારો, 15 એકર અને 50 એકરના પ્લોટ પાછળનો વિસ્તાર (સ્પેશિયલ ઓઇલ રિફાઇનરી સુધી લંબાયેલો ભાગ) આ વિસ્તારોમાં અતિ જ્વલનશીલ ઇંધણ અને ગેસનો જંગી જથ્થો સંગ્રહિત હોવાથી કોઈપણ પ્રકારની આગની દુર્ઘટના કે મોટો વિસ્ફોટ રોકવા માટે આ સુરક્ષાત્મક પગલું લેવામાં આવ્યું છે.
જાહેર સ્થળોએ લાયસન્સ વિના ફટાકડાના વેચાણ પર પણ રોક
આ ઉપરાંત એક અલગ આદેશ દ્વારા મુંબઈ પોલીસે સમગ્ર મહાનગરમાં જાહેર સ્થળોએ અધિકૃત પોલીસ અધિકારી કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા માન્ય લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરવા, વેચાણ અર્થે સંગ્રહ કરવા, પ્રદર્શિત કરવા કે ફટાકડા લઈ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અનિયંત્રિત અને ગેરકાયદેસર ફટાકડાના વેચાણથી સામાન્ય જનતાને થતી અડચણ, ભય અને જોખમને ટાળવા માટે આ પગલું ભરાયું છે.
આ આદેશો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે મુખ્ય જાહેર સ્થળોએ જાહેરનામાની નકલો લગાવવા અને લાઉડસ્પીકર કે મેગાફોન દ્વારા જાહેરાતો કરવાના નિર્દેશો પણ સ્થાનિક પોલીસ તંત્રને આપવામાં આવ્યા છે. નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.










