UGCના નવા નિયમોની સમીક્ષા કરશે કેન્દ્ર, સુપ્રીમ કોર્ટમાં કમિટી રચવાની તૈયારી

દિલ્હી SIR વિવાદ: મતદાર યાદીમાંથી નામ કપાયા, હવે નવા મતદાર તરીકે ફોર્મ ભરવાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કેન્દ્ર સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના 2026ના સમાનતા સંબંધિત નિયમોની ફરીથી સમીક્ષા કરવાની તૈયારી દર્શાવી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યું હતું કે આ નિયમોની પુનઃતપાસ માટે વિશેષ સમિતિ (Special Committee) રચવા અંગે વિચારણા ચાલી રહી છે. સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે નિયમોને કારણે કોઈ પણ સમુદાય કે વિદ્યાર્થી પોતાને બાકાત અથવા અસુરક્ષિત ન અનુભવે.

દરેક વિદ્યાર્થીના હિતનું રક્ષણ થાય તે જરૂરી: કેન્દ્ર

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સરકાર દરેક વિદ્યાર્થીના હિતનું ધ્યાન રાખવા અને યુવા પેઢીની ચિંતાઓ દૂર કરવા પ્રયાસ કરી રહી છે. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સરકાર એવી વ્યવસ્થા ઇચ્છે છે જેમાં કોઈ વિદ્યાર્થીને અસંતોષ કે ભેદભાવની આશંકા ન રહે. આ હેતુથી નિયમોની સમીક્ષા માટે સમિતિ બનાવવાની શક્યતા પણ વિચારણા હેઠળ છે.

જાહેરાત

સુપ્રીમ કોર્ટની તમામ વિદ્યાર્થીઓના હિતની ટકોર

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સુધારવામાં આવનારા નિયમોમાં તમામ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થવું જોઈએ. કોર્ટે સરકારને નિયમો પર પુનર્વિચાર કરવા અને આગામી પેઢીને ધ્યાનમાં રાખીને યોગ્ય માળખું તૈયાર કરવા સૂચન કર્યું હતું.

13 જાન્યુઆરીએ જાહેર થયા હતા નવા નિયમો

UGCએ 13 જાન્યુઆરી, 2026ના રોજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે 'પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂશન્સ રેગ્યુલેશન્સ, 2026' જાહેર કર્યા હતા. આ નિયમો હેઠળ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભેદભાવ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર્સ (Equal Opportunity Centres) અને ઇક્વિટી કમિટીઓ (Equity Committees) બનાવવાની જોગવાઈ કરવામાં આવી હતી.

નિયમોની જોગવાઈઓ સામે વિરોધ અને કાનૂની પડકાર

નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યામાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC)નો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, આ વ્યાખ્યામાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સામેલ ન કરાયા હોવાનો દાવો કરીને કેટલાક અરજદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અરજદારોનું કહેવું હતું કે આના કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ સાથે અસમાન વ્યવહાર થવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરીએ નિયમો પર રોક લગાવી હતી

29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે UGCના 2026ના નિયમો પર વચગાળાની રોક લગાવી હતી. કોર્ટે કેટલીક જોગવાઈઓ અસ્પષ્ટ હોવાનું અને તેના દુરુપયોગની શક્યતા નકારી શકાય તેમ ન હોવાનું અવલોકન કર્યું હતું. સાથે જ કોર્ટે આગામી આદેશ સુધી UGCના વર્ષ 2012ના જૂના સમાનતા નિયમો અમલમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો. હવે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોની સમીક્ષા માટે સમિતિ રચવાની વિચારણા વચ્ચે આ મામલે આગામી કાર્યવાહી પર નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત