બલિયામાં પોલીસનું 'ઓપરેશન એન્કાઉન્ટર': શિવ મંદિરમાં પૂજારીને બંધક બનાવી લૂંટ ચલાવનારા બદમાશો પર ગોળીબાર

બલિયામાં પોલીસનું 'ઓપરેશન એન્કાઉન્ટર': શિવ મંદિરમાં પૂજારીને બંધક બનાવી લૂંટ ચલાવનારા બદમાશો પર ગોળીબાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં શિવ મંદિરમાં પૂજારીને બંધક બનાવી લૂંટ ચલાવનારા બદમાશો અને પોલીસ વચ્ચે મોડી રાત્રે ભીષણ અથડામણ (એન્કાઉન્ટર) થઈ હતી. રસડા વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસના જવાબી ફાયરિંગમાં બે બદમાશોના પગમાં ગોળી વાગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી મંદિરમાંથી લૂંટાયેલો કિંમતી સામાન પણ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, રસડા સ્થિત ઐતિહાસિક લખનેશ્વરડીહ શિવ મંદિરમાં બદમાશોએ પૂજારીને બંધક બનાવીને મંદિરમાંથી ચાંદી-સોનાના દાગીના અને કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ પોલીસ સતત આ ટોળકીની શોધમાં હતી. બાતમીના આધારે પોલીસે ઘેરાબંધી કરતાં બદમાશોએ બચવા માટે પોલીસ ટીમ પર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

જાહેરાત

પોલીસે સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરતા બે બદમાશોને પગમાં ગોળી વાગી હતી, જેના પગલે તેઓ નીચે પટકાયા હતા. પોલીસે ઘાયલો સહિત તમામ પાંચ લૂંટારૂઓને દબોચી લીધા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ બિહારના રહેવાસી છે અને તેઓ અગાઉ પણ ધાર્મિક સ્થળોએ લૂંટ ચલાવવામાં સંડોવાયેલા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે ગેરકાયદેસર તમંચા, કારતૂસ અને લૂંટવામાં આવેલ શિવલિંગનો ચાંદીનો નાગ, છત્ર તેમજ રાધા-કૃષ્ણની મૂર્તિઓના મુગટ સહિતનો મુદામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત