Video: સૌરવ દાસના પાસપોર્ટમાં ભૂલ મામલે શો-કોઝ નોટિસ પર વિદેશ મંત્રાલયનું સ્પષ્ટીકરણ

વિદેશ મંત્રાલયે કોકરોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસને કારણ બતાવો એટલે કે શો કોઝ નોટિસ આપવાના નિર્ણય અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, તેમના પાસપોર્ટની અરજીમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, પાસપોર્ટની પ્રક્રિયામાં અરજદારે સાચી માહિતી આપવી જરૂરી છે. જો કોઈ તબક્કે વિસંગતતા જણાય અથવા તથ્યો છુપાવવામાં આવ્યા હોવાનું સામે આવે, તો અરજદારને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા માટે 'શો-કોઝ નોટિસ જારી કરવામાં આવે છે. તેમને કહ્યું કે, કાયદા અમલીકરણ એજન્સીઓના રિપોર્ટના આધારે ચેન્નઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ ૨૩ નવેમ્બરે સૌરવ દાસને નોટિસ પાઠવી છે. જેમાં સાત દિવસમાં તેમના જન્મસ્થળ અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. જવાબ ન મળે ત્યાં સુધી આ પાસપોર્ટનો ઉપયોગ ન કરવાની સલાહ પણ અપાઈ છે.
આ મામલો એ ઘટના બાદ સામે આવ્યો છે, જ્યારે સૌરવ દાસને કથિત રીતે દિલ્હી એરપોર્ટ પર બ્રિટન જતી ફ્લાઈટમાં ચઢતા અટકાવી દેવામાં આવ્યા હતા. તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, જ્યાં તેમને કોકરોચ મૂવમેન્ટ પર બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિદેશ પ્રવાસ ન કરી શક્યા બાદ દાસે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે વિદેશ જતા અટકાવવાની કાર્યવાહીને પડકારી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, દાસને નોટિસ સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલા અહેવાલના આધારે જારી કરવામાં આવી છે.












