Video: જમ્મુ-કાશ્મીરમાં કટોકટીની તૈયારીઓનું મોટું રિહર્સલ: પૂંછ, બાંદીપોરા, અનંતનાગ અને શોપિયાંમાં એર રેડ અને બ્લેકઆઉટ મોકડ્રિલનું આયોજન કરાયું

સોર્સ: gstv

જમ્મુ અને કાશ્મીરમાં આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓના ભાગરૂપે મોટાપાયે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર સરકારના ગૃહ વિભાગના નિર્દેશો અનુસાર પૂંછ સહિત બાંદીપોરા, અનંતનાગ અને શોપિયાં જિલ્લામાં સિવિલ ડિફેન્સ એર રેડ એટલે કે હવાઈ હુમલા સામે બચાવ અને બ્લેકઆઉટ અંગેનો પૂર્વભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સુરક્ષા અને કટોકટી એજન્સીઓ વચ્ચેનું સંકલન ચકાસવાનો તેમજ સામાન્ય જનતાને આપત્તિ સમયે સુરક્ષિત રહેવા માટે જાગૃત કરવાનો છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને આ નિયમિત કવાયત દરમિયાન સહકાર આપવા અને કોઈપણ પ્રકારનો ગભરાટ ન રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. પૂંછ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષના આદેશ મુજબ આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા ૨૩થી ૨૭ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન આ કવાયત હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. આ કવાયત માટે SDRFના DySPને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તહેસીલદાર હવેલી સમગ્ર ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ ટીમને સક્રિય કરીને સંકલન સાધશે. આ ઉપરાંત પોલીસ, અગ્નિશમન, આરોગ્ય વિભાગ, સિવિલ ડિફેન્સ, પાવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, પરિવહન અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ સહિતની એજન્સીઓ આમાં સક્રિયપણે જોડાઈ રહી છે. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ એર રેડની ચેતવણી, બ્લેકઆઉટના પગલાં, સ્થળાંતર, શોધ અને બચાવ કામગીરીનું રિહર્સલ કરવામાં આવશે. લોકોમાં અફરાતફરી ન સર્જાય તે માટે જિલ્લા માહિતી અધિકારીને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા પૂરતી જાગૃતિ ફેલાવવા સૂચના આપવામાં આવી છે.

જાહેરાત

પૂંછ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના અન્ય ત્રણ મહત્વપૂર્ણ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. બાંદીપોરામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની દેખરેખ હેઠળ NM બોયઝ હાયર સેકન્ડરી સ્કૂલમાં નાગરિક સંરક્ષણ હવાઈ હુમલાની મોકડ્રિલ યોજાશે, જેમાં પોલીસ, આરોગ્ય, અગ્નિશામક દળ અને SDRFની ટીમો જોડાશે. અનંતનાગમાં હવાઈ હુમલાની મોકડ્રિલ અને ત્યારબાદ સાંજે સાડા 6થી 6 કલાક અને 40 મિનિટ સુધી બ્લેકઆઉટ કવાયત રાખવામાં આવી છે, જ્યાં રહેવાસીઓને તમામ લાઇટ બંધ રાખવા અને બારીઓ ઢાંકવાની સલાહ આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં કટોકટી અને આવશ્યક સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમગ્ર કવાયત એક નિયમિત પ્રક્રિયા છે, જેનો હેતુ કટોકટીના સમયે તંત્રની સજ્જતા અને વિવિધ એજન્સીઓની પ્રતિભાવ ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો છે. સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરીને નિયંત્રિત રીતે હાથ ધરવામાં આવી રહેલી આ મોક ડ્રિલમાં સ્થાનિક નાગરિકોનો સહકાર અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, જેથી ભવિષ્યમાં કોઈપણ કટોકટીની સ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવી શકાય. 

આ સમાચાર શેર કરો

જાહેરાત