દિલ્હી એરપોર્ટ પર રોકાયા બાદ CJP નેતા સૌરવ દાસની મુશ્કેલી વધી: પાસપોર્ટ ઓફિસે ફટકારી નોટિસ, 7 દિવસમાં માંગ્યો જવાબ!

દિલ્હી એરપોર્ટ પર રોકાયા બાદ CJP નેતા સૌરવ દાસની મુશ્કેલી વધી: પાસપોર્ટ ઓફિસે ફટકારી નોટિસ, 7 દિવસમાં માંગ્યો જવાબ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ-સંયોજક સૌરવ દાસની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય (Regional Passport Office) દ્વારા તેમને પાસપોર્ટ મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસની અંદર તેમના જન્મસ્થળ અંગે સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી સૌરવ દાસ આ નોટિસનો જવાબ ન આપે ત્યાં સુધી તેમને પોતાના પાસપોર્ટનો ઉપયોગ ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

જાહેરાત

જન્મસ્થળની વિગતો અંગે માંગવામાં આવ્યો ખુલાસો

રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ કાર્યાલયે 23 નવેમ્બરના રોજ આ નોટિસ જારી કરી હતી. કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ માહિતી બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે સાચી માહિતી આપવી અત્યંત જરૂરી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા હકીકત છુપાવવાની કે ખોટી વિગતો આપવાની વાત સામે આવે, તો પાસપોર્ટ કાર્યાલય સંબંધિત વ્યક્તિ પાસેથી જવાબ માંગી શકે છે. આ મામલે પણ અધિકારીઓને મળેલી માહિતીના આધારે સૌરવ દાસ પાસે જન્મસ્થળ અંગે 7 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.

દિલ્હી એરપોર્ટ પર લંડનની ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા હતા

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સૌરવ દાસે દાવો કર્યો હતો કે તેમને દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઈટમાં બેસતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ રાત્રે 1 વાગ્યાની ફ્લાઈટથી બ્રિટન જવાના હતા, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને જાણ કરી કે તેમનો પાસપોર્ટ 'ફ્લેગ' (Flagged) કરવામાં આવ્યો છે.

સૌરવ દાસ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા આયોજિત 'કોકરોચ મૂવમેન્ટ' પરની એક પેનલ ચર્ચામાં ભાગ લેવા બ્રિટન જઈ રહ્યા હતા. આ ઉપરાંત, તેમને કેમ્બ્રિજ, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) અને એડિનબર્ગમાં પણ વક્તવ્ય આપવા માટે આમંત્રણ મળ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.

સરકાર પર લગાવ્યા આક્ષેપો

આ ઘટના બાદ સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાની મુસાફરી રોકવા બદલ મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેમને વિદેશમાં પોતાનો પક્ષ રાખતા રોકવામાં આવી રહ્યા છે. CJP ના સ્થાપક અભિજીત દીપકેએ પણ આ મામલે સરકારની ટીકા કરી હતી. જોકે, સૌરવ દાસે કહ્યું છે કે આ ઘટનાથી તેમનું કામ અટકશે નહીં અને તેઓ ભવિષ્યમાં પણ વિદેશ પ્રવાસ કરતા રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત