Video: TMC ફઈ-ભત્રીજાની પાર્ટી, કાયમ કર્મચારી જ રહેશો, આગળ વધવું હોય તો મોદીનો હાથ પકડી લો! પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીએ આ કોણે કહ્યું..?

સોર્સ: gstv

રાજકારણમાં ક્યારેક એક સલાહ આખી રાજકીય દિશા બદલી નાખે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ એવો જ દાવો કર્યો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની વાતે તેમને તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવા પ્રેર્યા હતા. આ ખુલાસો કોલકાતાની બેંગાલ એસેન્ડ્સ સમિટમાં થયો હતો. આ નિવેદનથી ચર્ચા તેજ બની છે..

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પોતાના એક નિવેદનથી ચર્ચામાં છે.. તેમણે એક સમિટ દરમિયાન જણાવ્યા હતું કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ તેમને મળવા રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. આ મુલાકાત દરમિયાન મુખર્જીએ તેમને પોતાના રાજકીય ભવિષ્ય અંગે વિચારવાની સલાહ આપી હતી. અધિકારીએ યાદ કરતાં કહ્યું કે, મુખર્જીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે, જો તેઓ કર્મચારી બનીને રહેવા માંગતા હોય તો તૃણમૂલ કોંગ્રેસમાં જ રહે, પરંતુ જો પોતાના દમ પર આગળ વધવા માંગતા હોય તો નરેન્દ્ર મોદી સાથે જોડાય. આ સલાહ તેમના જીવનનો મહત્વપૂર્ણ વળાંક બની હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જાહેરાત

આ નિવેદન સાથે શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પાર્ટીને એક પ્રાઇવેટ ફર્મ અથવા ખાનગી કંપની ગણાવી હતી. તેમના આરોપ મુજબ, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પાર્ટીના ચેરમેનની ભૂમિકા ભજવે છે, જ્યારે તેમના ભત્રીજા અભિષેક બેનર્જી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે. અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસને ફઈ-ભત્રીજાની પાર્ટી ગણાવીને પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ કોઈના કર્મચારી બનીને રહેવા માંગતા નહોતા, તેથી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.

શુભેન્દુ અધિકારીએ પ્રણવ મુખર્જીને પોતાના ઓરિજિનલ એડવાઈઝર એટલે કે મૂળ સલાહકાર અને વાલી તરીકે યાદ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, મુખર્જી માત્ર રાજકીય માર્ગદર્શક જ નહોતા, પરંતુ તેમના નિર્ણયોમાં મહત્વપૂર્ણ પ્રભાવ ધરાવતા વ્યક્તિ પણ હતા. જોકે, આ વાતચીતની ચોક્કસ તારીખ જણાવવાનો તેમણે ઇનકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, દિવંગત નેતા પ્રણવ મુખર્જી પ્રત્યે તેમને ઊંડો આદર છે અને તેમની સાથે જોડાયેલી વાતને કોઈ વિવાદનું સ્વરૂપ આપવા માંગતા નથી. તેથી મુલાકાત ક્યારે થઈ હતી તે અંગે તેમણે વિગતો જાહેર કરી નહોતી.

શુભેન્દુ અધિકારીના આ ખુલાસાથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં જૂના રાજકીય સંબંધો અને પક્ષ પરિવર્તન પાછળની ચર્ચાઓ ફરી જીવંત બની છે. એક તરફ તેમણે પ્રણવ મુખર્જીની સલાહને ભાજપમાં જોડાવાના નિર્ણય સાથે સાંકળી હતી, તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસની કાર્યપદ્ધતિ અને પરિવારવાદ અંગે ગંભીર આરોપો લગાવ્યા હતા. કોલકાતાની બેંગાલ એસેન્ડ્સ સમિટમાં આપેલું આ નિવેદન રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, પ્રણવ મુખર્જીની સલાહ અંગેનો આ સમગ્ર પ્રસંગ શુભેન્દુ અધિકારીના પોતાના નિવેદન પર આધારિત છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત