'જીતવાવાળી પ્રથમ 26 બેઠકોથી થઈ છે શરૂઆત, સમજદારીથી વાત આગળ વધશે': કોંગ્રેસ સાથે સીટ શેરિંગ પર અખિલેશ યાદવની પોસ્ટ

'જીતવાવાળી પ્રથમ 26 બેઠકોથી થઈ છે શરૂઆત, સમજદારીથી વાત આગળ વધશે': કોંગ્રેસ સાથે સીટ શેરિંગ પર અખિલેશ યાદવની પોસ્ટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 ને લઈને સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી અંગે મંગળવારે બીજા દિવસે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મંત્રણા બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ગઠબંધનમાં સકારાત્મક શરૂઆત થઈ હોવાના સંકેત આપ્યા છે.

અખિલેશ યાદવે શું લખ્યું?

જાહેરાત

અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "જીતવાવાળી પ્રથમ '26 બેઠકો' થી શરૂઆત થઈ છે, હળીમળીને સમજદારીથી વાત આગળ વધશે." તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંને પક્ષો વચ્ચે પ્રાથમિક તબક્કે 26 બેઠકો પર સહમતિ સધાઈ છે અને બાકીની બેઠકો પર ચર્ચા ચાલુ છે.

બેઠક બાદ રામ ગોપાલ યાદવનું નિવેદન

મંગળવારે દિલ્હીમાં સપા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક-દર-બેઠક (Seat-by-Seat) વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ સપાના મહાસચિવ રામ ગોપાલ યાદવે મીડિયાને જણાવ્યું હતું કે, તમામ બેઠકો પર અલગ-અલગ ચર્ચા થઈ છે અને વાતચીત ખૂબ જ સકારાત્મક રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો છે, જે સંખ્યા ઘણી મોટી છે. તેથી વાતચીત હજુ પૂરી થઈ નથી, પરંતુ આગામી બે રાઉન્ડની બેઠકોમાં સીટ વહેંચણીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે." ઉલ્લેખનીય છે કે બીજા રાઉન્ડની બેઠક શરૂ થાય તે પહેલાં પણ રામ ગોપાલ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 26 બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત