નેશનલ પાર્ટીનો દરજ્જો ગુમાવી શકે છે માયાવતીની પાર્ટી, લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ BSP પર ખતરો
ક્યારેક દેશ અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં દબદબો ધરાવનાર બહુજન સમાજ પાર્ટી (BSP) ખુણામાં ધકેલાઇ ગઇ છ

ક્યારેક દેશ અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં દબદબો ધરાવનાર બહુજન સમાજ પાર્ટી (BSP) ખુણામાં ધકેલાઇ ગઇ છે. લોકસભા ચૂંટણી 2024માં માયાવતીની પાર્ટીનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. આ ચૂંટણીમાં તેને માત્ર 2.04 ટકા મત મળ્યા છે. BSP રાષ્ટ્રીય સ્તરની એકમાત્ર દલિત પાર્ટી છે પરંતુ આ નિરાશાજનક પ્રદર્શન બાદ તેના રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જા પર ખતરો મંડરાવવા લાગ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પોતાની પારંપરિક સમીક્ષા કરે છે. આ સમીક્ષામાં બસપા પોતાનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવી શકે છે.
1997માં BSPને મળ્યો હતો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો
વર્ષ 1984માં કાંશી રામે બસપાની સ્થાપના કરી હતી અને બાદમાં માયાવતીને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. તે બાદ 1997માં બસપાને એક રાષ્ટ્રીય પાર્ટીના રૂપમાં માન્યતા મળી હતી. 2012 ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી સતત પોતાનો પ્રભાવ વધારતી જોવા મળી છે. જોકે, 2012 બાદ પાર્ટીના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે દેશમાં છ રાજકીય પાર્ટી છે જેમને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળેલો છે. આ પક્ષ છે- ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપુલ્સ પાર્ટી, માકપા અને બસપા.
રાષ્ટ્રીય દરજ્જો મળવાના શું છે નિયમ?
રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળવાના નિયમની વાત કરીએ તો કોઇ પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ચાર અથવા તેના કરતા વધારે રાજ્યમાં કૂલ મતમાંથી ઓછામાં ઓછા છ ટકા મત મળવા જોઇએ. સાથે જ ઓછામાં ઓછા તેના ચાર સાંસદને જીત મળેલી હોવી જોઇએ. આ માનકો પર યોગ્ય ઉતરનારી પાર્ટીને ચૂંટણી પંચ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપે છે. એક પાર્ટી લોકસભા ચૂંટણીમાં જો ઓછામાં ઓછા બે ટકા મત પ્રાપ્ત કરે અને તેના ઉમેદવારને ઓછામાં ઓછા ત્રણ રાજ્યમાં જીત મળે તો તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી શકે છે. કોઇ પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો મળવાની ત્રીજી શરત આ છે કે તેને ઓછામાં ઓછા ચાર રાજ્યમાં રાજ્ય સ્તરની પાર્ટીની માન્યતા
મળેલી હોય.
2019માં BSPને 10 બેઠક મળી હતી, 2024માં 0
મહત્ત્વપૂર્ણ છે કેસ 2019 લોકસભા ચૂંટણીમાં બસપાએ 10 બેઠક જીતી હતી પરંતુ આ વખતે તેને એક પણ બેઠક પર જીત મળી નથી. 2019ની ચૂંટણીમાં સપા સાથે ગઠબંધન કરીને બસપાએ ચૂંટણી લડી હતી.
સમીક્ષા પ્રક્રિયા શરૂ કરી શકે છે EC
એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવાના પ્રથમ બે નિયમ અને શરતોને બસપા પૂર્ણ કરી શકી નથી. ત્રીજી શરત જે ચાર અથવા તેના કરતા વધુ રાજ્યમાં માન્યતા પ્રાપ્ત પક્ષની જે શરત છે તે પણ તે પૂર્ણ કરી શકી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે 2024 ચૂંટણી સાથે જોડાયેલા આંકડાકિય રિપોર્ટ જાહેર થયા બાદ ચૂંટણી પંચ પોતાની સમીક્ષા પ્રક્રિયા શરૂ કરી શકે છે.








