મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Mathura/ લગ્નમાંથી પાછા ફરતા કાર નહેરમાં ખાબકી, 4 મિત્રોના કરુણ મોત

Mathura Accident news : મથુરામાં બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારો અકસ

તસવીર: twitter

Mathura Accident news : મથુરામાં બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા ચાર મિત્રોની કાર બેકાબૂ થઈને નહેરમાં ખાબકતા ચારેય યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના બાદ લગ્નવાળા ઘરમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા દેવિયા વળાંક પાસે બુધવારે રાત્રે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મથુરાના મહાવનથી રાજસ્થાનના ડીગમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા ચાર યુવકોની કાર અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે વળાંક પર સંતુલન ગુમાવતા કાર સીધી પાણીની ટાંકી સાથે અથડાઈને 6 મીટર ઉંડી નહેરમાં જઈ પડી હતી.

ઉંડા પાણી અને અંધારામાં ફસાયા યુવકો

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાર નહેરમાં ઉંધી પડી હોવાથી અંદર ફસાયેલા યુવકોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. રાત્રિના અંધકાર અને નહેરના ઉંડા પાણીને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી. ગ્રામજનોએ પોલીસના પહોંચતા પહેલા બે યુવકોને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. બાદમાં ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવતા અન્ય બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મૃતકોની ઓળખ જાહેર કરાઈ

મૃતકોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે. જેમાં મહાવન વિસ્તારના રાહુલ વર્મા (23), મોહિત (22) અને અમિત (23) નો સમાવેશ થાય છે, જ્યારે ચોથા યુવકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. મૃતકોમાં મોહિત લો (Law) નો વિદ્યાર્થી હતો, જ્યારે અમિત પણ અભ્યાસ કરતો હતો. રાહુલ સિલાઈ કામ કરતો હતો અને અકસ્માતગ્રસ્ત કાર તેના મોટાભાઈની હતી.

પોલીસ તપાસ શરૂ 

એસપી દેહાત સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અતિશય ઝડપ અને રસ્તાનો તીખો વળાંક અકસ્માતનું કારણ જણાય છે. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો