મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બંગાળમાં મમતાના ગઢમાં કાંગરા ખર્યા: ચૂંટણી હારતા જ TMCના દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી

TMC Crisis in Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં

બંગાળમાં મમતાના ગઢમાં કાંગરા ખર્યા: ચૂંટણી હારતા જ TMCના દિગ્ગજોએ ખરી-ખોટી સંભળાવી
આ સમાચાર સાંભળો

TMC Crisis in Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ભડકો થયો છે. બેરકપુરના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા ફિલ્મ સર્જક રાજ ચક્રવર્તીએ ગુરુવારે રાજકારણ છોડવાની જાહેરાત કરી દીધી છે. રાજ ચક્રવર્તીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે TMCના અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ મંત્રીઓએ પક્ષના નેતૃત્વ સામે ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે. હાર માટે સંગઠનાત્મક અહંકાર અને જમીની સ્તરથી કપાયેલા હોવાને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે.

રાજ ચક્રવર્તીની વિદાય અને દેવની અપીલ

રાજ ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, તેમનું રાજકીય જીવન 2021માં શરૂ થયું હતું અને 2026માં આ પ્રકરણનો અંત આવ્યો છે. બીજી તરફ, અભિનેતા અને સાંસદ દેવે પણ ભાજપને તેની જીત બદલ અભિનંદન પાઠવીને બંગાળના ફિલ્મ ઉદ્યોગમાં કલાત્મક સ્વતંત્રતા જાળવી રાખવાની અપીલ કરી છે.

પક્ષમાં આંતરિક વિખવાદ અને ગંભીર આક્ષેપો

કૂચ બિહારના વરિષ્ઠ નેતા રવીન્દ્રનાથ ઘોષે પક્ષના વિભાજન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો હતો, એક તરફ દીદી અને બીજી તરફ અભિષેક. રવીન્દ્રનાથના મતે અભિષેક બેનરજીના દબાણને કારણે મમતા બેનરજી પોતાના કુદરતી નિર્ણયો લઈ શકતા ન હતા. તેવી જ રીતે, પૂર્વ ક્રિકેટર અને પૂર્વ મંત્રી મનોજ તિવારીએ પણ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ અને નેતૃત્વ સામે બાંયો ચઢાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે પક્ષની અંદરની જૂથબંધીને કારણે વિકાસના કાર્યો જાણીજોઈને અટકાવવામાં આવ્યા હતા.

I-PAC અને પક્ષના આદેશો પર સવાલ

ટીએમસી પ્રવક્તા રિજુ દત્તાએ એક વિડિયો સંદેશમાં માફી માંગતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન તેમણે શુભેન્દુ અધિકારી પર જે વ્યક્તિગત હુમલા કર્યા હતા તે પક્ષના આદેશ પર કર્યા હતા અને તેમની 99% ટિપ્પણીઓ તેમની પોતાની નહોતી. બીજી તરફ, બીરભૂમના પૂર્વ ધારાસભ્ય વિકાસ રોય ચૌધરીએ હાર માટે I-PAC અને બિન-બંગાળી સલાહકારોના વધતા પ્રભાવને જવાબદાર ગણાવ્યા છે.

ભ્રષ્ટાચાર અને રાજીનામાનો દોર

હાવડા નગર નિગમના પૂર્વ અધ્યક્ષ ડૉ. સુજોય ચક્રવર્તીએ પક્ષમાંથી રાજીનામું આપતા ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, અભિષેક બેનરજી દ્વારા તેમના પર પક્ષના ફંડ માટે કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું, જેની તેમણે ના પાડતા તેમને પદ છોડવા મજબૂર કરાયા હતા. બંગાળના રાજકારણમાં TMCની આ આંતરિક લડાઈ હાલમાં ચર્ચાનો વિષય બની છે અને રાજ્યના રાજકીય સમીકરણો માટે આ ઘણું મહત્ત્વનું છે. પશ્ચિમ બંગાળમાં આ સ્થિતિ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે મોટો પડકાર છે.

આ સમાચાર શેર કરો