RTI માં મોટો ખુલાસો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ લગભગ બમણો થઈને ₹૨,૦૨,૭૯૭ કરોડ પર પહોંચ્યો!

RTI માં મોટો ખુલાસો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ લગભગ બમણો થઈને ₹૨,૦૨,૭૯૭ કરોડ પર પહોંચ્યો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચમાં મોટો વધારો થયો હોવાનું માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલી માહિતીમાં સામે આવ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના સત્તાવાર જવાબ મુજબ, 508 કિલોમીટર લાંબા આ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો સુધારેલો અંદાજિત ખર્ચ વધીને ₹2,02,797 કરોડ થયો છે. પ્રોજેક્ટનો પ્રારંભિક અંદાજ ₹1,08,000 કરોડ હતો. આમ, ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે. RTIના જવાબ મુજબ, માર્ચ 2026 સુધીમાં પ્રોજેક્ટ પાછળ ₹92,761 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થાય છે. જમીન સંપાદન અને વળતર (Compensation) સહિતના વિવિધ મુદ્દાઓને કારણે પ્રોજેક્ટના કામમાં વિલંબ થયો છે.

પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા હજુ નક્કી નથી

મૂળ આયોજન મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. જોકે, RTIમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની નવી સંભવિત સમયમર્યાદા અંગે પૂછવામાં આવતાં NHSRCLએ જણાવ્યું હતું કે તમામ કોન્ટ્રાક્ટ પેકેજ (Contract Packages) ફાળવવામાં આવ્યા બાદ જ પૂર્ણતાની સમયમર્યાદા નક્કી કરી શકાશે. એટલે હાલ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તે અંગે સ્પષ્ટ તારીખ જાહેર કરવામાં આવી નથી.

જાહેરાત

જાપાનીઝ શિંકનસેનને બદલે સ્વદેશી ટ્રેન દોડશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે. મૂળ યોજના જાપાનની અત્યાધુનિક ‘શિંકનસેન’ (Shinkansen) ટ્રેનનો ઉપયોગ કરીને કામગીરી શરૂ કરવાની હતી. જોકે, હવે ભારતમાં વિકસિત સ્વદેશી ટ્રેનસેટ (Trainset) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NHSRCLના જણાવ્યા મુજબ, BEML લિમિટેડ દ્વારા બનાવવામાં આવનારી પ્રથમ સ્વદેશી ટ્રેનસેટ ફેબ્રુઆરી 2027માં રવાના (Dispatch) કરવાની યોજના છે. ત્યારબાદ અન્ય ટ્રેનસેટ્સની ડિલિવરી કરવામાં આવશે.

જાપાન સાથેના પત્રવ્યવહારની માહિતી આપવાનો ઇનકાર

RTIમાં ભારત અને જાપાન સરકાર વચ્ચે સિગ્નલિંગ સિસ્ટમની ખરીદી તથા ટ્રેનોના ઉપયોગ અંગે થયેલા પત્રવ્યવહારની નકલો પણ માગવામાં આવી હતી. જોકે, NHSRCLએ બંને સરકારો વચ્ચેના નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA)નો હવાલો આપીને દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો હતો. ભારતમાં બનેલી ટ્રેનોના ઉપયોગ અંગે જાપાન સરકારે મંજૂરી આપી હતી કે વાંધો ઉઠાવ્યો હતો તેના રેકોર્ડ આપવાની માગ પણ ફગાવવામાં આવી હતી. NHSRCLએ RTI કાયદાની કલમ 9(1)(f) હેઠળ વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં મળેલી માહિતી જાહેર ન કરી શકાય તેમ જણાવ્યું હતું. આમ, ખર્ચમાં થયેલો મોટો વધારો, પૂર્ણતાની અનિશ્ચિત સમયમર્યાદા અને સ્વદેશી ટ્રેનના ઉપયોગનો નિર્ણય બુલેટ ટ્રેન પ્રોજેક્ટના આગામી તબક્કા માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત