અમદાવાદ વિમાન દુર્ઘટના: 2-3 અઠવાડિયામાં અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર થશે, કેન્દ્રની સુપ્રીમ કોર્ટમાં ખાતરી

અમદાવાદ વિમાન દુર્ઘટના: 2-3 અઠવાડિયામાં અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર થશે, કેન્દ્રની સુપ્રીમ કોર્ટમાં ખાતરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જૂન 2025માં અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાની તપાસના અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. કેન્દ્ર સરકારે બુધવારે (18 નવેમ્બર) સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તપાસનો અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર થઈ જવાની શક્યતા છે. સરકારના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) રિપોર્ટને આખરી ઓપ આપવાના અંતિમ તબક્કામાં છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારો દ્વારા તપાસ પૂર્ણ કરવામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે AAIB દ્વારા જૂન 2026માં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ઓક્ટોબર 2026 સુધીમાં ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવાની અપેક્ષા દર્શાવવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં રિપોર્ટ તૈયાર થયો ન હતો. આ મામલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસમાં જાણીજોઈને કોઈ વિલંબ કરવામાં આવી રહ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનાની તપાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત નિયમો અને પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી હોવાથી પ્રક્રિયામાં સમય લાગે છે.

દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયાં હતાં

ઉલ્લેખનીય છે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. બોઇંગ 787 (Boeing 787) વિમાનમાં 229 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સહિત કુલ 241 લોકો સવાર હતા. ટેક-ઓફ કર્યા બાદ વિમાન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર લોકો ઉપરાંત જમીન પર રહેલા 19 લોકોનાં પણ મોત થયાં હતાં. આમ, આ અકસ્માતમાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રનવે છોડ્યાની લગભગ 32 સેકન્ડ બાદ વિમાને તેની ગતિ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ તે ક્રેશ થયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી.

જાહેરાત

પીડિત પરિવારોને તપાસ રિપોર્ટની રાહ

દુર્ઘટના બાદ AAIB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, તપાસની પ્રગતિ અને પારદર્શિતા અંગે સમયાંતરે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને મૃતકોના પરિવારો અને અન્ય હિતધારકો તપાસના અંતિમ તારણોની રાહ જોઈ રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલી ખાતરી મુજબ આગામી બે થી ત્રણ અઠવાડિયામાં અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. આ રિપોર્ટમાં દુર્ઘટનાનાં કારણો અને તપાસ દરમિયાન સામે આવેલી મહત્વપૂર્ણ વિગતો અંગે સ્પષ્ટતા થવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત