બ્રિટનના પ્રિન્સ માટે બે દિવસનો દેખાડો, પછી કચરાના ઢગલા! BMCને બોમ્બે હાઈકોર્ટની ફટકાર

બ્રિટિશ રોયલ કપલ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિનની મુંબઈ મુલાકાત દરમિયાન શહેરને 2 દિવસ માટે 'ચમકાવવા' અને નાગરિકો માટે કાયમી ધોરણે કચરાના ઢગલા છોડી દેવા બદલ બોમ્બે હાઈકોર્ટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMC અને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
હાઈકોર્ટની આકરી ટિપ્પણીઓ
2 દિવસનો અસ્થાયી શો નહીં, કાયમી સફાઈ કરો: જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોખલેની બેન્ચે કાંજુરમાર્ગ લેન્ડફિલ સાઇટ અને શહેરના રસ્તાઓ પર ઠલવાતા કચરા અંગેની અરજીની સુનાવણી કરતા જણાવ્યું કે, "જ્યારે મહેમાનો આવવાના હતા ત્યારે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારને રંગરોગાન કરીને અને પાણીથી રસ્તાઓને ધોઈને ચમકાવી દેવામાં આવ્યા. જો સરકાર અને BMC ધારે તો વીજળીની ઝડપે કામ કરી શકે છે. તો શું તમે માત્ર VVIP મહેમાનો આવે ત્યારે જ જાગશો? 2 દિવસના અસ્થાયી શોને બદલે સામાન્ય નાગરિકો માટે દરેક વોર્ડમાં કાયમી સ્વચ્છતા રાખો."
પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ નહીં?: મંગળવારે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લેનારા ન્યાયાધીશોએ પ્લાસ્ટિકના કચરાના પહાડો પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ મૂકી શકાય નહીં અને શું માથેરાન તથા મહાબળેશ્વર જેવા હિલ સ્ટેશનો પર પ્લાસ્ટિક પ્રતિબંધિત છે કે કેમ?
7 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ માંગ્યો
હાઈકોર્ટે કાંજુરમાર્ગ સાઇટ પરથી ફેલાતી દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યા અંગે મોનિટરિંગ કમિટી દ્વારા આંતરિક ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે, અને આગામી સુનાવણી 7 ડિસેમ્બર 2026 સુધીમાં તેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.








