સોશિયલ મીડિયા પર ઝેર ઓકવું ભારે પડ્યું! વંશીય સતામણીના કેસમાં ઝડપાયેલા આમિર શોકીનની તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો

સોશિયલ મીડિયા પર ઝેર ઓકવું ભારે પડ્યું! વંશીય સતામણીના કેસમાં ઝડપાયેલા આમિર શોકીનની તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ત્રિપુરાના એક આદિવાસી યુવક વિરુદ્ધ નફરતભર્યું ભાષણ (Hate Speech) અને વંશીય ટિપ્પણીઓ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા કન્ટેન્ટ ક્રિએટર આમિર શોકીનની તપાસ હવે અમદાવાદ સુધી પહોંચવાની છે. આ કેસમાં વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવા માટે ત્રિપુરા પોલીસની વિશેષ ટીમ આરોપીને અમદાવાદ લઈ જવાની તૈયારી કરી રહી છે. આ માટે પોલીસે પશ્ચિમ ત્રિપુરાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી લીધી હોવાનું તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. તપાસકર્તાઓનું માનવું છે કે વિવાદાસ્પદ વીડિયો ક્યાં અને કઈ પરિસ્થિતિમાં બનાવવામાં આવ્યો હતો, તેને સોશિયલ મીડિયા પર કેવી રીતે ફેલાવવામાં આવ્યો અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલી છે કે કેમ તે જાણવા માટે અમદાવાદની મુલાકાત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

પ્રારંભિક પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ આમિર શોકીનને 13 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીની અરજીને ધ્યાનમાં રાખીને કોર્ટે વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે અમદાવાદમાં તપાસ માટે કોર્ટની મંજૂરી મળતાં તપાસનો વ્યાપ વધવાની શક્યતા છે. આમિર શોકીનની અગાઉ 22 ઓક્ટોબરે દિલ્હી પોલીસે વાયરલ વીડિયો મામલે ધરપકડ કરી હતી. ત્યારબાદ ત્રિપુરા પોલીસે પશ્ચિમ ત્રિપુરાના ન્યૂ કેપિટલ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT Act) અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ અલગ કેસ નોંધ્યો હતો. ત્રિપુરા પોલીસની ટીમે દિલ્હી જઈને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપીને પૂછપરછ માટે ત્રિપુરા લાવી હતી.

જાહેરાત

વાયરલ વીડિયોથી શરૂ થયો હતો વિવાદ

આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ શરૂ થયો હતો. આ વીડિયોમાં આમિર શોકીન ત્રિપુરાના એક આદિવાસી યુવકના દેખાવ, ઓળખ અને પૃષ્ઠભૂમિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરતો હોવાનો આરોપ છે. વીડિયોને પગલે પૂર્વોત્તર ભારતનાં અનેક રાજ્યોમાં વિરોધ અને આક્રોશ જોવા મળ્યો હતો. દિલ્હી સ્થિત ‘ત્રિપુરા સ્ટુડન્ટ્સ ફોરમ’ સહિત વિવિધ સંગઠનોએ આ મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માગ કરી હતી. ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ પણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને દિલ્હી પોલીસ સાથે સંકલન સાધીને કાયદા મુજબ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. હવે અમદાવાદમાં થનારી તપાસ દ્વારા વીડિયો બનાવવાની અને તેને પ્રસારિત કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે વધુ વિગતો બહાર આવે તેવી તપાસકર્તાઓની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત