49 વર્ષ બાદ પણ સચિન તેંડુલકર પાસે સંચવાયેલું છે તેનું પહેલું બેટ, સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ તસવીરો

ક્રિકેટના મેદાન પર રેકોર્ડ્સ સર્જનાર 'માસ્ટર બ્લાસ્ટર' સચિન તેંડુલકરે પોતાના બાળપણની એક અનોખી અને ખાસ યાદ ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સચિને પોતાના બાળપણની અને આજની એમ બે તસવીરો સાથે શેર કરી છે, જેમાં તેના હાથમાં તેનું એ જ પહેલું ક્રિકેટ બેટ નજરે પડે છે જેને તેણે લગભગ 49 વર્ષથી ખૂબ જ સાચવીને રાખ્યું છે. બાળપણમાં હાથમાં આવેલું આ નાનકડું બેટ આજે પણ તેની પાસે છે, જ્યારે તે વિશ્વભરમાં ક્રિકેટના સૌથી મોટા નામોમાં સ્થાન ધરાવે છે.
49 વર્ષ પછી પણ આજે પણ અકબંધ છે પહેલું બેટ
સચિને સોશિયલ મીડિયા પર શેર કરેલી પહેલી તસવીરમાં તે બાળપણમાં પોતાના પહેલા ક્રિકેટ બેટ સાથે નજરે પડે છે, જ્યારે બીજી તસવીરમાં 53 વર્ષીય સચિન એ જ બેટને હાથમાં લઈને લગભગ તે જ અંદાજમાં પોઝ આપતો દેખાઈ છે. બંને તસવીરો જોઈને સરળતાથી અંદાજ લગાવી શકાય છે કે બાળપણથી શરૂ થયેલી તેની આ ક્રિકેટની સફર તેને કઈ ઊંચાઈઓ સુધી લઈ ગઈ છે. આ તસવીર સાથે સચિને સુંદર કેપ્શન લખ્યું છે કે, 'પહેલા બેટની વાત જ કંઈક અલગ છે, 49 વર્ષ પછી પણ તે મારી સાથે છે!' તેના આ ભાવનાત્મક પોસ્ટથી ફેન્સને તેના બાળપણના દિવસો યાદ આવી ગયા છે.
બાળપણના બેટથી લઈને 'ગોડ ઓફ ક્રિકેટ' બનવા સુધીની સફર
જે ઉંમરે સચિનના હાથમાં આ નાનું બેટ હતુ, ત્યારે કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ જ બાળક આગળ ચાલીને દુનિયાના સૌથી મહાન બેટ્સમેનોમાં સામેલ થશે. તેણે માત્ર 16 વર્ષની વયે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ત્યારબાદ રેકોર્ડ્સનો એવો સિલસિલો શરૂ થયો, જેણે તેને ક્રિકેટ જગતમાં અમર બનાવી દીધો. સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી અને 34,357 રન નોંધાયેલા છે. આ ઉપરાંત, તે વર્ષ 2011માં ભારતની ઐતિહાસિક વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો.
15 નવેમ્બરનો ખાસ સંયોગ અને ડેબ્યુ 37મી વર્ષગાંઠ
સચિનની આ પોસ્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે 15 નવેમ્બર 1989ના રોજ જ તેણે પાકિસ્તાન સામે કરાચીમાં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષ અને 205 દિવસની હતી. આમ, સચિનની આ પોસ્ટમાં એક તરફ તેનું બાળપણનું પહેલું બેટ છે, તો બીજી તરફ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતની 37મી વર્ષગાંઠનો વિશેષ સંયોગ પણ જોડાયેલો છે.
ફેન્સ અને દિગ્ગજો થયા ભાવુક: 'બેબી બોય ટૂ ગોડ ઓફ ક્રિકેટ'
સચિનની આ તસવીર પર ફેન્સ પણ ભારે ભાવુક થતા નજરે પડ્યા હતા. એક યુઝરે બંને તસવીરો વચ્ચેના સફરને માત્ર ત્રણ શબ્દોમાં વર્ણવતા લખ્યું, 'બેબી બોય ટૂ ગોડ ઓફ ક્રિકેટ' (બાળકથી લઈને ક્રિકેટના ભગવાન સુધી). આ ઉપરાંત નાગાલેન્ડના મંત્રી તેમેજેન ઇમના અલોંગે પણ સચિનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'પહેલા પ્રેમની વાત જ કંઈક અલગ હોય છે અને જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે સચિન હંમેશા મારા માટે 'ગોડ ઓફ ક્રિકેટ' રહેશે.' આ તસવીરો માત્ર એક જૂના બેટની કહાની નથી, પરંતુ તે એ બાળકની અદ્ભુત સફર છે કે જેણે ક્યારેક હાથમાં બેટ લઈને સપના જોયા હતા અને આજે તે કરોડો લોકોના દિલમાં વસે છે.






