પેટ કમિન્સથી લઈને ડેવિડ વોર્નર સુધી, સેન્ડપેપરગેટ વિવાદ ફરી વકર્યો; જાણો કોણે શું કહ્યું

પેટ કમિન્સથી લઈને ડેવિડ વોર્નર સુધી, સેન્ડપેપરગેટ વિવાદ ફરી વકર્યો; જાણો કોણે શું કહ્યું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સેન્ડપેપર કાંડના આઠ વર્ષ બાદ તેને ફરી ભડકાવવા માટે ઉસ્માન ખ્વાજાની આત્મકથા ‘સબર’ (Sabr) નિમિત્ત બની છે. આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનરે દાવો કર્યો હતો કે 2018માં કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં સેન્ડપેપરના ઉપયોગ વિશે આખી ટીમને જાણ હતી.

ખ્વાજાના જણાવ્યા અનુસાર, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને કેમરોન બેનક્રોફ્ટે આખી ટીમ વતી દોષ પોતાના માથે લીધો હતો.

જાહેરાત

ખ્વાજાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, “તે અમારા બધાનું કામ હતું. માત્ર બેટ્સમેનો કે બોલર્સ કે સ્ટાફનું નહીં, અમારા બધાનું.”

2018માં તે સમયના ટીમના વાઈસ-કેપ્ટન વોર્નર અને કેપ્ટનસ્મિથ પર 12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની પાસેથી નેતૃત્વના પદ છીનવી લેવામાં આવ્યા હતા. સ્મિથ પાછો ફર્યા બાદ આખરે વાઈસ-કેપ્ટન બન્યો હતો, પરંતુ વોર્નર પર ફરીથી કોઈ નેતૃત્વ પદ સંભાળવા પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી નથી કરી શક્યો.

ખ્વાજાના આ આરોપોને વર્તમાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ફગાવી દીધા છે, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં રમતજગતના ઘણા ખેલાડીઓ અને કોચ દ્વારા આ મામલે પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે.

ડેરેન લેહમેન

2018ના પ્રવાસ દરમિયાન ટીમના કોચ રહેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કોચ ડેરેન લેહમેને ખ્વાજાના દાવાઓને નકારી કાઢ્યા હતા.

લેહમેને જણાવ્યું હતું કે, “મને નથી લાગતું કે દરેકને આ વિશે જાણ હશે. તમને એટલી ખબર હોય છે કે બોલ ટેમ્પરિંગ થઈ રહ્યું છે કારણ કે તે 150 વર્ષથી ચાલતું આવ્યું છે. પરંતુ તે કેવી રીતે થઈ રહ્યું છે અને તે હદ સુધી કેવી રીતે ખબર પડે? પ્રામાણિકપણે કહું તો તે વ્યક્તિગત બાબત છે.”

ડેવિડ વોર્નર

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેને ખ્વાજાને સમર્થન આપતા કહ્યું કે આ મામલે ખ્વાજાની વાત “100 ટકા સચોટ” છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું, “મેં આ વિષય પર વાત કર્યાને આઠ વર્ષ થઈ ગયા છે. ઉઝી (ઉસ્માન), હું તને મારું સંપૂર્ણ સમર્થન આપું છું. તેં જે કંઈ કર્યું છે તે બદલ હું તારો આભાર માનું છું. તેં જે કહ્યું છે તે 100 ટકા સાચું છે. હવે દરેક જણ સત્ય જાણે છે, તે બહાર આવી ગયું છે.”

અન્ય એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની 2018ની તપાસ પર સવાલ ઉઠાવતા તેને કવર-અપ ગણાવી હતી. તેણે ઉમેર્યું કે તેને એવા કોઈ પુરાવા આપવામાં નહતા આવ્યા કે બોલર્સની પૂછપરછ કરવામાં આવી હતી, જેના કારણે તેને અમુક નિર્ણયો લેવાની ફરજ પડી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ટોડ ગ્રીનબર્ગ

વધતા જતા જાહેર દબાણ છતાં, ટોડ ગ્રીનબર્ગે કહ્યું કે ક્રિકેટ બોર્ડ 2018માં લેવાયેલા નિષ્કર્ષથી સંતુષ્ટ છે અને આ કેસ ફરીથી ખોલવાનું કોઈ કારણ નથી દેખાતું.

ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, “અમને તપાસ ફરીથી ખોલવાનું કે આ મુદ્દા પર ફરીથી વિચાર કરવાનું કોઈ નક્કર કારણ નથી દેખાતું.”

પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને ODI કેપ્ટન કમિન્સે ખ્વાજાના આરોપો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેને “વાહિયાત” ગણાવ્યા હતા. તેણે વધુમાં ઉમેર્યું કે ભૂતપૂર્વ ઓપનર હજુ પણ તેનો મિત્ર છે, પરંતુ સાથે જ કહ્યું કે “મિત્રો એકબીજાના જીવન અને પ્રતિષ્ઠા સાથે રમત નથી રમતા.”

કમિન્સે 68 મિનિટ લાંબી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “જ્યારે તે કહે છે કે અમને બધાને ખબર હતી, જો તેનો અર્થ એવો થાય કે અમને ખબર હતી કે મેદાન પર સેન્ડપેપર લઈ જવામાં આવી રહ્યું છે, તો તે 100 ટકા ખોટો છે. મેં છેલ્લા આઠ વર્ષથી સતત આ જ વાત કહી છે. મને ખબર નહતી કે આવું થઈ રહ્યું છે. પરંતુ મને લાગે છે કે ઉસ્માન ખરેખર તેના કરતાં પણ વધુ ગંભીર વાતો કહી રહ્યો છે.”

માઈકલ વોન

ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટને કહ્યું કે ખ્વાજાના દાવા વાંચીને કોઈ આશ્ચર્ય નથી થયું. તેણે આઠ વર્ષ પહેલા બનેલી આ ઘટનામાંથી આગળ વધવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

વોને X પર લખ્યું, “તો આખરે હવે આપણે રમતનું સૌથી છુપાયેલું રહસ્ય જાણીએ છીએ, આખી ઓસ્ટ્રેલિયન ટીમ સેન્ડપેપર વિશે જાણતી હતી, 8 વર્ષ પછી બધું બહાર આવ્યું છે... આમાં કોઈ નવાઈ નથી... શું હવે આપણે આગળ વધી શકીએ?”

સ્ટુઅર્ટ બ્રોડ

એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સાથે ઘણા મુકાબલાઓમાં સામેલ રહેલા ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ પેસરે કહ્યું કે વ્યક્તિએ આગળ વધવું જોઈએ, કારણ કે આ ઘટના ઘણા વર્ષો પહેલા બની હતી.

બ્રોડે કહ્યું, “આ આઠ વર્ષ પહેલાની વાત છે, અત્યારે કેમ? આઠ વર્ષ પહેલા શું બન્યું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની મારામાં બહુ ઓછી ઉર્જા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ફરીથી તપાસ ખોલવા નથી માંગતું તેનાથી હું ખુશ છું.”

મિચેલ સ્ટાર્ક

સ્ટાર્ક પણ 2021માં તેણે અને અન્ય બોલર્સે અપનાવેલા વલણ પર અડગ રહ્યો છે અને કહ્યું છે કે બોલિંગ ગ્રુપને ખબર નહતી કે મેદાન પર સેન્ડપેપર લઈ જવામાં આવી રહ્યું છે.

સ્ટાર્કે પત્રકારોને કહ્યું, “હું બોલર્સ વતી નહીં બોલું, પરંતુ હું જ્યાં ઊભો છું ત્યાં મારો અભિપ્રાય બદલાયો નથી. 2021માં અમે જે કહ્યું હતું તેમાંથી મારી વાત બદલાઈ નથી.”

ગ્રેમ હિક

2016થી 2020 સુધી ઓસ્ટ્રેલિયાના બેટિંગ કોચ રહેલા ગ્રેમ હિકે ખ્વાજા દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓને ફગાવી દીધા હતા અને ખ્વાજાના આક્ષેપોને “સદંતર ખોટા” ગણાવ્યા હતા.

તેણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે તેને પોર્ટ એલિઝાબેથ કે કેપટાઉનમાં બોલ-ટેમ્પરિંગ અંગે થયેલી કોઈપણ ચર્ચાની જાણ નહતી.

હિકે જણાવ્યું હતું કે, “મારા મતે, ખ્વાજા જે સૂચવી રહ્યા છે... તે સદંતર ખોટું છે. પોર્ટ એલિઝાબેથ કે કેપટાઉનમાં બોલ-ટેમ્પરિંગ અંગે થયેલી કોઈપણ ચર્ચાના સંદર્ભમાં હું પૂરી પ્રામાણિકતાથી કહીશ કે મેં કંઈ સાંભળ્યું નહતું કે મને કંઈ ખબર નહતી.”

માઈકલ ક્લાર્ક

2015ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને કહ્યું કે તપાસ ફરીથી ખોલવાની જરૂર છે કારણ કે દરેક જણ ઈચ્છે છે કે સત્ય બહાર આવે.

ક્લાર્કે જણાવ્યું હતું કે, “લોકો શું સાચું છે તેના પર વિશ્વાસ નથી કરી શકતા. જ્યાં સુધી આ ફરીથી ખોલવામાં ન આવે અને સત્ય બહાર ન આવે ત્યાં સુધી તેઓ સત્ય નથી જાણી શકતા.”

તેણે ઉમેર્યું, “અમારી પાસે 2018માં તક હતી. સત્ય બહાર આવ્યું નહીં. 2021માં જ્યારે બેનક્રોફ્ટે ટિપ્પણીઓ કરી ત્યારે અમારી પાસે તક હતી. સત્ય બહાર આવ્યું નહીં.”

મેથ્યુ હેડન

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ઓપનરે ખ્વાજાના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે સેન્ડપેપરગેટની તેની વાતમાં “હું અને મારી જાત” વિશે ઘણું બધું હતું.

હેડને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં કહ્યું, “જો તમે ઉસ્માનનું ઇન્સ્ટાગ્રામ પાછું ચલાવીને જુઓ, તો તેમાં ઘણું બધું ‘હું’, ‘મને’ છે. તેમાં ‘અમે’ જેવું કંઈ નથી.”

“અને મારા મતે ઉસ્માન કોઈ મહાન વાર્તા નથી કહેવા જઈ રહ્યો, તે એક એવી વાર્તા છે જે વાંચવામાં આવશે પરંતુ તેનો આદર નથી કરવામાં આવે અને દુઃખની વાત છે કે જે માણસે ટેસ્ટ ક્રિકેટમાં 42ની એવરેજથી રન બનાવ્યા અને ઘણી ટ્રોફી જીતી, આ તે ક્ષણ હશે જે તેની ઓળખ બનશે અને દુઃખની વાત છે કે તેણે આની સાથે જીવવું પડશે.”

વસીમ અકરમ

ભૂતપૂર્વ પાકિસ્તાની પેસરે કમિન્સની પ્રેસ કોન્ફરન્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે પણ બોલ પર કોઈ બહારની વસ્તુનો ઉપયોગ થાય છે ત્યારે બોલર્સને સામાન્ય રીતે ખબર પડી જ જતી હોય છે. તેણે ઉમેર્યું કે સેન્ડપેપરના નિશાન સાવ અલગ હોય છે.

અકરમે X પરના એક વીડિયોમાં કહ્યું, “આ મારો અભિપ્રાય છે અને તે સાચો કે ખોટો હોઈ શકે છે, પરંતુ એક બોલર તરીકે જ્યારે ક્રિકેટ બોલ મારા હાથમાં આવે છે, પછી ભલે તે પાંચમી ઓવર હોય, 10મી ઓવર હોય કે 50મી ઓવર હોય, જૂનો બોલ જ્યાં તમે બોલની સંભાળ રાખો છો, જો સૂકો દિવસ હોય, સૂકી પીચ હોય તો તમે એક બાજુ ચમકાવો છો, તમે વન-બાઉન્સ થ્રો કરો છો, તેના પર થોડા ઉઝરડા પડે છે, પરંતુ સેન્ડપેપરના ઉઝરડા વન-બાઉન્સના ઉઝરડા કરતાં તદ્દન અલગ હોય છે.”

જસ્ટિન લેંગર

લેહમેને પદ છોડ્યા બાદ હેડ કોચ બનેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનરે કમિન્સનું સમર્થન કરતા કહ્યું કે ટીમે આગળ વધવાની જરૂર છે.

લેંગરે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે તેણે (કમિન્સે) જે કરવાનું હતું તે કર્યું. મજબૂત નેતાઓ ઊભા થાય છે... કેપ્ટન ઊભો થયો અને ગઈકાલે મિચ માર્શ ઊભો થયો. આપણે ક્યાંક તો લક્ષ્મણરેખા દોરવી પડશે... આજની પ્રેસ કોન્ફરન્સ તેનાથી મદદ કરશે કે અવરોધ ઊભો કરશે, તે સમય જ કહેશે.”

ચાડ સેયર્સ

2018ના પ્રવાસમાં 12મા ખેલાડી તરીકે રહેલા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન પેસરે ખ્વાજાના દાવાઓને સમર્થન આપતા કહ્યું કે આખી ટીમને બોલ-ટેમ્પરિંગના કાવતરા વિશે જાણ હતી.

તેણે જણાવ્યું, “હું અત્યારે અહીં બેસીને આ પરિસ્થિતિ પર જ્યાં ઊભો છું ત્યાં સંપૂર્ણપણે સહજ છું અને માનું છું કે તે ટીમમાં રહેલા દરેક જણ જાણતા હતા કે શું ચાલી રહ્યું છે અને શું ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.”

“પોર્ટ એલિઝાબેથમાં જેમ કે હવે જાણીતું છે, તેનો ઉપયોગ બે ટેસ્ટ મેચમાં કરવામાં આવ્યો હતો અને ડ્રેસિંગ રૂમમાં ચર્ચાઓ થઈ હતી કે આપણે બોલને કેવી રીતે રિવર્સ સ્વિંગ કરાવીશું અને શું ઉપયોગમાં લેવામાં આવશે."

"કેમ બેનક્રોફ્ટ આગળ આવ્યો અને કહ્યું કે તે કરશે. મને લાગે છે કે આપણે બધા જાણીએ છીએ કે તે તબક્કે ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના 'બેડ બોય' તરીકે જોવામાં આવતો હતો અને કેમેરા હંમેશા તેના પર જ રહેવાના હતા, તેથી તે તેમાં ભાગ લેવાનો નહતો. યોજના એવી હતી કે કેમરોન બેનક્રોફ્ટ તે બહાર લઈ જવાનો હતો.”

મિચેલ માર્શ

ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાના કાર્યવાહક કેપ્ટન મિચેલ માર્શને મીડિયા દ્વારા આ મામલે આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. 2018 દરમિયાન સ્ક્વોડનો ભાગ રહેલા ઓલરાઉન્ડરે ઉમેર્યું કે તે આ મામલે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો કારણ કે તે આગળ વધી ગયો છે.

માર્શે પત્રકારોને કહ્યું, “આ અઠવાડિયે દેખીતી રીતે જ ઘણો શોરબકોર થયો છે. હું એ વાતનું સન્માન કરું છું કે અમુક લોકોએ પોતાની વાર્તાઓ કહેવાનું પસંદ કર્યું છે, પરંતુ હું આજે અહીં મારી વાર્તા શેર કરવા માટે નથી આવ્યો.”

આ સમાચાર શેર કરો

જાહેરાત