ન્યુઝીલેન્ડ સામે ભારતની બેટિંગની પોલ ખૂલી, રોહિત શર્મા અને વિરાટ કોહલી સામે 2027 વર્લ્ડ કપ પહેલા મોટો પડકાર

ન્યુઝીલેન્ડ સામે ભારતે 3-1થી ODI સિરીઝ જીતી હતી. આ સિરીઝમાં ભારતીય બોલિંગ આક્રમણના પ્રદર્શનથી ઘણી સકારાત્મક બાબતો જોવા મળી હતી, પરંતુ બેટિંગના આંકડાઓએ એક એવી નબળાઈ ઉજાગર કરી છે, જેને 2027ના ODI વર્લ્ડ કપ પહેલા ટીમ મેનેજમેન્ટ અવગણી શકે તેમ નથી. ટોપ ઓર્ડરના બેટ્સમેનોનું પ્રદર્શન સતત ઉતાર-ચઢાવભર્યું રહ્યું હતું. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિષ્ફળતા ચિંતાનો વિષય બની હતી.
રોહિત શર્માએ ચાર ઈનિંગ્સમાં માત્ર 30 રન બનાવ્યા હતા અને તેની એવરેજ 7.50 રહી હતી. આ દરમિયાન તેણે અનુક્રમે 0, 23, 0 અને 7 રન બનાવ્યા હતા. બીજી તરફ, વિરાટ કોહલીએ 21.50ની એવરેજથી 86 રન બનાવ્યા હતા. જોકે, તેના આ સ્કોરમાં પ્રથમ ODIમાં રમેલી 74 રનની ઈનિંગનો મોટો ફાળો હતો. ત્યારબાદની ત્રણ ઈનિંગ્સમાં પૂર્વ ભારતીય કેપ્ટને માત્ર 12 રન બનાવ્યા હતા. તેણે અનુક્રમે 7, 0 અને 5 રન બનાવ્યા હતા.
ભારતના આ બે અનુભવી ODI બેટ્સમેનોએ મળીને આઠ ઈનિંગ્સમાં કુલ 116 રન બનાવ્યા હતા. તેમની સંયુક્ત એવરેજ માત્ર 14.50 રહી હતી. વધુ મહત્ત્વની વાત એ છે કે વિરાટ કોહલીની 74 રનની એક ઈનિંગે બંનેના કુલ સ્કોરમાં લગભગ 64 ટકા યોગદાન આપ્યું હતું. જો આ એક ઈનિંગને બાદ કરવામાં આવે તો બંને બેટ્સમેન સાત ઈનિંગ્સમાં મળીને માત્ર 42 રન જ બનાવી શક્યા હતા.
ચિંતાની વાત માત્ર મોટી ઈનિંગ્સનો અભાવ નથી, પરંતુ આ બંને અનુભવી બેટ્સમેનોની સતત નિષ્ફળતા પણ છે. ખાસ કરીને જ્યારે પિચ પર નવી બોલથી ફાસ્ટ બોલર્સને મદદ મળી રહી હોય ત્યારે આ બંને પાસેથી ભારતીય ઈનિંગને મજબૂત શરૂઆત આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.
જોકે, સમસ્યા માત્ર રોહિત અને વિરાટ પૂરતી મર્યાદિત રહી નહોતી. ભારતના અન્ય ટોપ ઓર્ડર બેટ્સમેનો પણ સતત રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
પ્રથમ બે મેચમાં રમેલા શુભમન ગિલે 18.50ની સરેરાશથી 37 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે ચાર ઈનિંગ્સમાં 16.75ની એવરેજથી 67 રન બનાવ્યા હતા. જ્યારે છેલ્લી બે મેચમાં ગિલના સ્થાને રમેલા ઋતુરાજ ગાયકવાડે 11.50ની એવરેજથી માત્ર 23 રન બનાવ્યા હતા.
ચારેય પૂર્ણ થયેલી ODI મેચોમાં ભારતના ટોપ ઓર્ડરની ચાર જગ્યાઓ પર રમેલા આ પાંચ ખેલાડીઓએ મળીને કુલ 243 રન બનાવ્યા હતા. એટલે કે ટોપ ઓર્ડરની દરેક બેટિંગ પોઝિશન દીઠ એવરેજ માત્ર 15.2 રનનું યોગદાન રહ્યું હતું.
છેલ્લી બે મેચમાં બેટિંગની નબળાઈ સામે આવી
પ્રથમ બે ODI વરસાદને કારણે ટૂંકી કરવામાં આવી હતી અને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) પદ્ધતિથી તેના પરિણામ નક્કી થયા હતા. જ્યારે ત્રીજી મેચ એક પણ બોલ ફેંકાયા વિના જ રદ્દ કરવામાં આવી હતી. તેથી છેલ્લી બે મેચ ભારતની બેટિંગની વાસ્તવિક કસોટી સમાન હતી.
આ બંને મેચના પરિણામો ખૂબ જ ચિંતાજનક રહ્યા હતા. ચોથી ODIમાં 334 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત, વિરાટ અને અય્યર ખાતું પણ નહતા ખોલાવી શક્યા, જ્યારે ગાયકવાડે માત્ર પાંચ રન બનાવ્યા હતા. ભારતના ટોપ ફોર બેટ્સમેનો મળીને માત્ર પાંચ રન બનાવી શક્યા હતા. ન્યુઝીલેન્ડના બોલર મેટ હેનરીએ 27 રન આપીને છ વિકેટ ઝડપી હતી.
છેલ્લી ODIમાં પણ ભારતીય બેટિંગમાં ખાસ સુધારો નહતો જોવા મળ્યો. રોહિત અને વિરાટે અનુક્રમે 7 અને 5 રન બનાવ્યા હતા, જ્યારે ગાયકવાડે 18 અને અય્યરે 22 રન નોંધાવ્યા હતા. આ રીતે ટોપ ફોર બેટ્સમેનો માત્ર 52 રન જ બનાવી શક્યા હતા. ત્યારબાદ અક્ષર પટેલ અને ઈશાન કિશને 46-46 રનની ઈનિંગ્સ રમીને ભારતીય ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતના ટોપ ફોર બેટ્સમેનોએ છેલ્લી બે મેચમાં મળીને માત્ર 57 રન બનાવ્યા હતા. બીજી તરફ, લોઅર ઓર્ડરના બેટ્સમેનોનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. પાંચમી ODIમાં અક્ષર પટેલ અને ઈશાન કિશને એકલા હાથે મળીને 92 રન બનાવ્યા હતા.
આ પ્રદર્શન એક મહત્ત્વની બાબત પણ દર્શાવે છે. ભારત માત્ર સદી અથવા મોટી પાર્ટનરશિપ બનાવવામાં નિષ્ફળ રહ્યું એવું નથી, પરંતુ શરૂઆતમાં જ સતત વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેના કારણે આખી બેટિંગ લાઈનઅપ દબાણમાં આવી ગઈ હતી અથવા તો મિડલ ઓર્ડરના બેટ્સમેનોને મજબૂત શરૂઆતનો લાભ ઉઠાવવાને બદલે ફરીથી ઈનિંગ્સ સંભાળવાની ફરજ પડી હતી.
2027ના વર્લ્ડ કપ પહેલા ભારત માટે ચેતવણી
આંકડાઓ ઉપરાંત ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટોપ ઓર્ડરની નિષ્ફળતાએ એક ટેકનિકલ પડકાર પણ ઉજાગર કર્યો છે, જે 2027ના ODI વર્લ્ડ કપમાં ફરી જોવા મળી શકે છે. રોહિત, વિરાટ અને અય્યર જેવા બેટ્સમેનોને ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર્સ સામે રમવામાં મુશ્કેલી પડી હતી. ન્યુઝીલેન્ડના બોલર્સે સતત અનિશ્ચિત ફૂટવર્કનો ફાયદો ઉઠાવ્યો હતો અને બોલની ઝડપ, ઉછાળો તથા શરૂઆતની સ્વિંગનો અસરકારક ઉપયોગ કર્યો હતો.
ચોથી ODI બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરએ ઘરઆંગણે અને ન્યુઝીલેન્ડમાં બેટિંગની પરિસ્થિતિ વચ્ચેનો તફાવત સ્વીકાર્યો હતો. તેણે કહ્યું હતું, "ભારતમાં બેટિંગ માટે સૌથી સરળ સમય પ્રથમ 10થી 15 ઓવરનો હોય છે. પરંતુ અહીં આ સમય સૌથી મુશ્કેલ હોય છે."
હેડ કોચે ન્યુઝીલેન્ડની પરિસ્થિતિને વર્લ્ડ કપમાં ભારતને મળી શકે તેવી પરિસ્થિતિઓની સૌથી નજીક ગણાવી હતી. સાઉથ આફ્રિકાની પિચો પર પણ ફાસ્ટ બોલર્સને ઝડપ અને ઉછાળો મળી શકે છે. આવી સ્થિતિમાં શરૂઆતની ઓવર્સમાં બોલની લેન્થનો યોગ્ય અંદાજ લગાવવો, ફૂટવર્કમાં ઝડપથી ફેરફાર કરવો અને બોલની સ્વિંગ તથા ઉછાળાને ધ્યાનમાં રાખીને શોટ રમવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.
ભારત પાસે આ પાસાઓ પર કામ કરવા માટે હજુ લગભગ એક વર્ષનો સમય છે. જોકે, ન્યુઝીલેન્ડ સામેની સિરીઝે એક મોટો સવાલ ઊભો કર્યો છે. જો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેનો સીમ બોલર્સને મદદરૂપ થતી પરિસ્થિતિઓમાં ફાસ્ટ બોલર્સ સામે આટલી સરળતાથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે, તો સાઉથ આફ્રિકાની આવી જ પરિસ્થિતિઓમાં 2027ના વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે તેઓ કેટલા તૈયાર હશે?








