ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનને ઋષિ ભારતી બાપુનો ટેકો

ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનને ઋષિ ભારતી બાપુનો ટેકો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઋષિ ભારતી બાપુ સાયલા ખાતે બાવળિયા પરિવારના પ્રાગટ્ય મેલડીમાના મંદિરમાં યોજાયેલા માંડવાના કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુએ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગને સમર્થન આપ્યું છે. તેમણે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનને જાહેર મંચ પરથી ટેકો આપતાં જણાવ્યું કે વર્ષ 2022માં પણ તેમણે આ મુદ્દે નિવેદન આપ્યું હતું અને કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવો જોઈએ તેવી વાત કરી હતી.

ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, ગુજરાતમાં 18 ટકા વસ્તી ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી અને મહત્વના હોદ્દા અપાતા નથી. તેમણે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગ સમાજમાં ઉઠાવવા આહ્વાન કરતાં જણાવ્યું કે, તેઓ અનુભવી નેતા છે અને તેમનામાં મુખ્યમંત્રી બનવાની ક્ષમતા છે, તેમજ સમાજ સંગઠિત થઈને માગ કરશે તો પાર્ટીએ વિચારવું પડશે.

જાહેરાત

સત્તામાં ભાગીદારી વખતે સમાજને ભૂલી જવાય છે, જે સ્થિતિ હવે ચલાવી લેવાશે નહીં: ઋષિ ભારતી બાપુ

ભાજપમાં મહત્વના હોદ્દા ન અપાતા હોવા અંગે નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે મત જોઈએ છે, પરંતુ સત્તામાં ભાગીદારી વખતે સમાજને ભૂલી જવાય છે, જે સ્થિતિ હવે ચલાવી લેવાશે નહીં. ઋષિ ભારતી બાપુએ સમાજને જાગૃત, એક અને સંગઠિત થવા તથા યુવાનોને આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ નિવેદન બાદ સમાજમાં ચર્ચા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે.

બાવળિયા પરિવારના માંડવામાંથી અપાયેલા નિવેદન બાદ સમાજના આગેવાનોએ તેને આવકાર્યું છે અને સોશિયલ મીડિયા પર પણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ઋષિ ભારતી બાપુની વાતને ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવી હતી. બીજી તરફ રાજકીય વર્તુળોમાં આ નિવેદનની ચર્ચા છે અને આગામી ચૂંટણીઓમાં અનેક વિધાનસભા વિસ્તારોમાં નિર્ણાયક મત ધરાવતા કોળી સમાજની ભૂમિકા મહત્વની રહેશે તેવું મનાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત