ગુવાહાટી હોટલ હત્યાકાંડના આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત

આસામના ગુવાહાટીમાં હોટલ બિલાસ ઇનમાં પાંચ લોકોની હત્યાના આરોપી ઘનકાંત ગોગોઈનું બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસકર્મી પર હુમલો કરીને તેની સર્વિસ પિસ્તોલ છીનવવાની કોશિશ કરી હતી. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. જેમાં 34 વર્ષીય ગોગોઈ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવારે સવારે આશરે 3:10 વાગ્યે શિવસાગર જિલ્લાના ફુલપાનિચિગા વિસ્તારમાં રોંગમોન ઢાબા નજીક બની હતી. ગુવાહાટીથી ગોગોઈને શિવસાગર લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આરોપી જ્યારે પોલીસ વાહનમાંથી નીચે ઊતર્યો ત્યારે તેણે તપાસ અધિકારીની સર્વિસ પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપી થતાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. અધિકારીને બચાવવા માટે સુરક્ષાકર્મીએ ગોળીબાર કર્યો હતો. શિવસાગર ટાઉન પોલીસના સબ-ઇન્સ્પેક્ટર દેવાશિષ શર્મા પણ આ ઘટનામાં ઘાયલ થયા છે.
બેંક છેતરપિંડીના કેસમાં પણ હતો આરોપી
ગોગોઈની મંગળવારે શિવસાગર પોલીસે વર્ષ 2024ના બેંક છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. આ પહેલાં ગુવાહાટીની કોર્ટે હોટલ ફાયરિંગ કેસમાં સાત દિવસની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
હોટલમાં ફાયરિંગ કરી પાંચની હત્યા કરી હતી
ઉલ્લેખનીય છે કે, 26 ઓક્ટોબરે ગુવાહાટીના બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી હોટલ બિલાસ ઇનમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. હોટલના માલિકો અને લીઝધારક ગોગોઈ વચ્ચે હોટલના સંચાલનને લઈને વિવાદ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ગોગોઈની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી ઘટનામાં વપરાયેલી લાઇસન્સવાળી .32 બોરની પિસ્તોલ પણ જપ્ત કરી હતી. બીજી તરફ, આરોપીના વકીલે અગાઉ પોલીસ કસ્ટડી દરમિયાન એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી. કોર્ટે પણ તેની સુરક્ષા અને તબીબી તપાસ અંગે પોલીસને જરૂરી સૂચનાઓ આપી હતી.








