મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ટીમની મોટી કાર્યવાહી, 39.8 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને સોનું જપ્ત; નવની ધરપકડ

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ટીમની મોટી કાર્યવાહી, 39.8 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને સોનું જપ્ત; નવની ધરપકડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ જુદા જુદા ઓપરેશનમાં આશરે 39.8 કરોડ રૂપિયાના માદક દ્રવ્યો અને સોનું જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન નવ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.

એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU), કસ્ટમ્સ ઝોન-૩ના અધિકારીઓએ સૌથી મોટી જપ્તીમાં 27 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં લગભગ 12 કિલો કેટામાઇન મળી આવ્યું હતું. જેની કિંમત અંદાજે 36 કરોડ રૂપિયા છે.

જાહેરાત

થાઈ એરવેઝની ફ્લાઈટ ટીજી-318 દ્વારા બેંકોક જઈ રહેલા એક પેસેન્જર પાસેથી લગભગ પાંચ કિલો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ પૂછપરછ કરતા રહેણાંક પરિસરમાં તપાસ દરમિયાન વધુ સાત કિલો કેટામાઇન મળી આવ્યું હતું અને આ ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલા વધુ બે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ત્રણ આરોપીઓની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

અન્ય બે કિસ્સાઓમાં AIU અધિકારીઓએ 27 અને 28 નવેમ્બરના રોજ બેંકોકથી આવેલા બે પ્રવાસી પાસેથી લગભગ 6.5 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. જેની કિંમત રૂ. 2.27 કરોડ છે. બંને મુસાફરોને NDPS એક્ટ હેઠળ પકડવામાં આવ્યા હતા.

એક અલગ કાર્યવાહીમાં કસ્ટમ અધિકારીઓને આ જ સમયગાળા દરમિયાન મુંબઈ પહોંચેલા પાંચ પ્રવાસીઓ પાસેથી 1,443 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું હતું. જેની કિંમત આશરે 1.57 કરોડ રૂપિયા છે. આ મામલામાં કસ્ટમ્સ એક્ટ હેઠળ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ તમામ કેસોની વધુ તપાસ ચાલુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 39.8 કરોડ જેટલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત