SIR બાદ હવે સીમાંકન.... ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં જ્ઞાનેશ કુમાર

કેન્દ્ર સરકાર દ્વારા સિમાંકન પ્રક્રિયાને આગળ વધારવાની તૈયારી વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની ભૂમિકાને લઈને રાજકીય વિવાદ તેજ બન્યો છે. સંસદના વિશેષ સત્રમાં રજૂ થનારા સિમાંકન (બીજું) વિધેયક, 2026ની જોગવાઈઓ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર સિમાંકન પંચના પદેન સભ્ય બની શકે છે. આ જ પંચ દેશભરમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની સીમાઓ નવેસરથી નક્કી કરવાની કામગીરી કરશે. સિમાંકન પ્રક્રિયામાં ચૂંટણી પંચની ભૂમિકાને લઈને વિપક્ષી પક્ષો સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર પર સવાલ ઉઠાવી રહ્યા છે. વિપક્ષ અગાઉ પણ જ્ઞાનેશ કુમાર પર ભાજપ તરફી વલણ અપનાવવાનો આરોપ લગાવી ચૂક્યો છે.
સિમાંકન પંચમાં જ્ઞાનેશ કુમારની શું ભૂમિકા હશે?
પ્રસ્તાવિત વિધેયક મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર સિમાંકન પંચના સભ્ય તરીકે રહેશે. જોકે, તેઓ પોતાની જગ્યાએ અન્ય ચૂંટણી કમિશનરને નામિત કરી શકે તેવી જોગવાઈ પણ છે. આ સ્થિતિમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અથવા વિવેક જોશીમાંથી કોઈ એકને જવાબદારી સોંપી શકાય છે. આ જોગવાઈને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ પર પહેલેથી જ કબજો કરવામાં આવ્યો છે અને હવે જ્ઞાનેશ કુમાર સિમાંકનની પ્રક્રિયાની પણ દેખરેખ રાખશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે પંચની હાલની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દેશનો ચૂંટણી નકશો બદલવા માટે જાણે બ્લેન્ક ચેક આપે છે.
ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર
રાહુલ ગાંધીના આરોપો સામે ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા હતા અને તેમને મહિલા વિરોધી ગણાવ્યા હતા. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ નથી તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
અગાઉ પણ વિપક્ષના નિશાન પર રહ્યા છે જ્ઞાનેશ કુમાર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અગાઉ પણ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા (SIR)ને લઈને વિપક્ષના નિશાન પર રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે. આ વર્ષે માર્ચમાં 193 વિપક્ષી સાંસદોએ પક્ષપાત અને મતદાર યાદીમાંથી નામ હટાવવાના આરોપો સાથે જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવા માટે નોટિસ આપી હતી. ઓક્ટોબરમાં લગભગ 300 વિપક્ષી સાંસદોએ તેમના રાજીનામાની માંગ સાથે કૂચ પણ કરી હતી.












