IND vs NZ / 'શું તે રડી રહ્યો છે?', મોહમ્મદ સિરાજનું દુઃખ જોઈને મુરલી કાર્તિકનું દિલ પીગળ્યું, વાયરલ થયો VIDEO

ન્યુઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી મોહમ્મદ સિરાજની ગેરહાજરી પર ભૂતપૂર્વ ભારતીય સ્પિનર મુરલી કાર્તિકે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ટોસ પછી સિરાજ મેદાન પર સનગ્લાસ પહેરેલો જોવા મળ્યો અને કાર્તિકે શો દરમિયાન પૂછ્યું, "શું તે રડી રહ્યો છે?" તેણે કહ્યું કે સિરાજ એક ભાવનાત્મક ખેલાડી છે અને ટીમમાંથી બહાર રહેવું તેના માટે પીડાદાયક હોઈ શકે છે.
મુરલી કાર્તિકના મતે, મોહમ્મદ સિરાજ એવા ખેલાડીઓમાંનો એક છે જે ઈજા કે અસ્વસ્થતા હોવા છતાં, પોતાનું શ્રેષ્ઠ આપવા માંગે છે. તેણે ટીમ મેનેજમેન્ટને પ્રશ્ન કર્યો કે જો બોલરના ફોર્મ અથવા નેટમાં પ્રદર્શન અંગે શંકા હોય તો તેને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો. કાર્તિકે ODI ટીમમાં સિરાજની મર્યાદિત તકોનો પણ ઉલ્લેખ કર્યો.
પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ સિરાજના બહાર રહેવાને તેના માટે મુશ્કેલ નિર્ણય ગણાવ્યો. તેણે રવિન્દ્ર જાડેજાની પ્લેઈંગ ઈલેવનમાંથી બાદબાકી પર પણ સવાલ ઉઠાવ્યા. ગાવસ્કર માનતા હતા કે જાડેજાની સ્પિન બોલિંગ ચોથા અને પાંચમા દિવસે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે જાડેજામાં સપાટ પિચ પર પણ બોલ ફેરવવાની ક્ષમતા છે.
જોકે, સુનિલ ગાવસ્કરે સ્પષ્ટતા કરી હતી કે એકવાર ટીમ પસંદ થઈ જાય, પછી તેઓ ભારતીય ટીમને ટેકો આપશે અને તેમની જીત માટે પ્રાર્થના કરશે. મોહમ્મદ સિરાજને વેલિંગ્ટનમાં સિરીઝની પહેલી ટેસ્ટમાં નહતી તક મળી. બીજી મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણના સ્થાને ગુરનુર બરારને ડેબ્યુ કરવાની તક આપવામાં આવી છે અનેસિરાજને ફરીથી બહાર બેસવાની ફરજ પડી હતી. ટેસ્ટ ડેબ્યુ પછી આ પહેલીવાર છે જ્યારે તે સિરીઝમાં સતત બે મેચ નથી રમ્યો.
મોહમ્મદ સિરાજે ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ પર તેની છેલ્લી ટેસ્ટ રમી હતી, જ્યાં તેણે બે મેચમાં ચાર વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે ત્રણ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. રણજી ટ્રોફીમાં હૈદરાબાદની કેપ્ટનશિપ ઉપરાંત, તેણે ન્યુઝીલેન્ડ A સામે પણ ચાર વિકેટ લીધી હતી. તે વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ભારતનો સૌથી સફળ બોલર છે.








