IND vs NZ / ક્રાઇસ્ટચર્ચમાં પ્રથમ દિવસે જોવા મળી કાંટાની ટક્કર, આકાશદીપે લીધી બે વિકેટ; લેથમ અને બ્લંડેલે અડધી સદી ફટકારી

બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ન્યુઝીલેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા છે. આ મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુરનુર બરારે ટેસ્ટ ડેબ્યુ કર્યું અને ડેવોન કોનવેને આઉટ કર્યો, જે તેની રેડ-બોલ કારકિર્દીની પહેલી વિકેટ હતી. ટોસ હાર્યા બાદ ન્યુઝીલેન્ડે સારી શરૂઆત કરી, ટોમ લેથમ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 77 રન ઉમેર્યા.
0 રનમાં 3 વિકેટ પડી
એક સમયે ન્યુઝીલેન્ડ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું, સ્કોર 110 સુધી પહોંચ્યો ત્યાં સુધી તેણે માત્ર એક વિકેટ ગુમાવી હતી. 110 રનના સ્કોર પર કિવીઓએ તેની બીજી, ત્રીજી અને ચોથી વિકેટ ગુમાવી દીધી. પહેલા આકાશદીપે ટોમ લેથમને 59 રનમાં આઉટ કર્યો. ત્યારબાદ અંશુલ કંબોજે પોતાનો જાદુ ચલાવ્યો અને સેટ બેટ્સમેન હેનરી નિકલ્સને આઉટ કર્યો. આ પછી રચિન રવિન્દ્રે નવ બોલનો સામનો કર્યો અને ખાતું પણ ન ખોલી શક્યો. આકાશદીપે તેની વિકેટ લીધી.
110 રનમાં 4 વિકેટ, પછી ન્યુઝીલેન્ડે કરી વાપસી
પહેલા દિવસનું ફક્ત બીજું સેશન ટીમ ઈન્ડિયાના નામે રહ્યું, જ્યાં તેણે 24 ઓવર ફેંકી, ફક્ત 54 રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી. પહેલા બે સેશન પછી ન્યુઝીલેન્ડ ખરાબ રીતે પાછળ હતું. પહેલા બે સેશનમાં 50 ઓવર રમ્યા પછી કિવીઝ 131 રન બનાવવામાં સફળ રહી અને ચાર વિકેટ ગુમાવી.
ત્રીજા સેશનમાં ન્યુઝીલેન્ડે સ્કોરને ઝડપથી આગળ વધાર્યો, 35 ઓવરમાં 115 રન ઉમેર્યા, ફક્ત એક વિકેટ ગુમાવી. ટોમ બ્લંડેલ અને ગ્લેન ફિલિપ્સની 62 રનની પાર્ટનરશિપે કિવીઝને આ મેચમાં વાપસી કરવામાં મદદ કરી.
ભારતનું બોલિંગ પ્રદર્શન
આકાશદીપે અત્યાર સુધી ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે, તેણે બે વિકેટ લીધી છે. અંશુલ કંબોજ, વોશિંગ્ટન સુંદર અને ગુરુનુર બરારે એક-એક વિકેટ લીધી હતી. ભારતીય બોલિંગ એટેકનો લીડર જસપ્રીત બુમરાહ પ્રથમ દિવસે સફળતા ન મેળવી શક્યો.








