IND vs NZ / સિરાજને બહાર કરવા પર ભડક્યો મોહમ્મદ કૈફ, મુનાફ પટેલે પણ બોલિંગ એટેક પર સવાલ ઉઠાવ્યા

ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાંથી ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ માટે ટીમમાં એક ફેરફાર કર્યો છે, પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ ગુરનુર બરારને સ્થાન આપ્યું. ભૂતપૂર્વ ક્રિકેટર્સ મોહમ્મદ કૈફ અને મુનાફ પટેલે સિરાજની બાદબાકી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
મોહમ્મદ સિરાજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં કુલ 43 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 2020માં પોતાના ડેબ્યુ પછી આ પહેલીવાર છે જ્યારે સિરાજ વિદેશી ટેસ્ટ સિરીઝમાં એક પણ મેચ રમ્યા વિના પરત ફરશે.
વિદેશી ટેસ્ટ બોલિંગ આક્રમણમાં સિરાજ પહેલી પસંદગી હોવો જોઈએ: કૈફ
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સિરાજની બાદબાકી અંગે લખ્યું, "એ માનવું મુશ્કેલ છે કે ભારતના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર્સમાંના એક મોહમ્મદ સિરાજને ફરીથી બહાર કરવામાં આવ્યો છે. ભારતના વિદેશી ટેસ્ટ બોલિંગ આક્રમણમાં બુમરાહની સાથે સિરાજને પહેલા પસંદ કરવો જોઈએ. રસપ્રદ વાત એ છે કે બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પોતે સિરાજને વર્લ્ડ ક્લાસ બોલર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે સારી બોલિંગ કરી રહ્યો છે."
મુનાફ પટેલે ભારતના બોલિંગ આક્રમણ પર પ્રશ્નો ઉઠાવ્યા
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલે પણ સિરાજને બાકાત રાખવાનો વિરોધ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, "ફરી એકવાર, મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે." પોતાના બીજા ટ્વીટમાં, મુનાફે વર્તમાન બોલિંગ આક્રમણ પર પણ પ્રશ્ન ઉઠાવતા લખ્યું હતું કે, "ચાલો તમે મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને નથી જોઈ રહ્યા તો તે ઠીક છે, પરંતુ તમારું આગામી બોલિંગ યુનિટ ક્યાં છે, જે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે?"
પહેલા દિવસે ન્યૂઝીલેન્ડનો સ્કોર - 246/5
ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટના પહેલા દિવસે શરૂઆતના પછાડામાંથી બહાર નીકળીને ટોમ બ્લંડેલ અને ગ્લેન ફિલિપ્સની ઈનિંગ્સ સાથે વાપસી કરી હતી. પહેલા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડે પાંચ વિકેટે 246 રન બનાવ્યા હતા. ટોમ બ્લંડેલ 53 રન અને ગ્લેન ફિલિપ્સ 36 રન સાથે ક્રીઝ પર હતા. ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે 59 રન બનાવ્યા. ભારત તરફથી આકાશ દીપે સૌથી વધુ બે વિકેટ લીધી.








