જાવેદ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું- 'મદરેસા અને ગુરુકુળમાંથી ભણેલા બાળકોના મનમાં ભરાય છે ઝેર'

ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ ગરીબ પરિવારોના બાળકો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે, એવી ચિંતા જાણીતા લેખક અને કવિ જાવેદ અખ્તરે વ્યક્ત કરી હતી.
મહાત્મા જ્યોતિબા ફુલેની પુણ્યતિથિ નિમિત્તે પુણેમાં આયોજિત કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળના હસ્તે મહાત્મા ફુલે સમતા પુરસ્કાર-2026 સ્વીકાર્યા બાદ તેણે કહ્યું હતું કે શિક્ષણ મોંઘું બનતા તે માત્ર સંપન્ન વર્ગની પહોંચમાં રહ્યું છે. સરકારી શાળાઓ બંધ થવાથી ગરીબ બાળકો માટે શિક્ષણની તકો ઘટી રહી છે.
મદરેસા અને ગુરુકુળમાં અપાતા શિક્ષણ પર કટાક્ષ કરતા તેણે કહ્યું હતું કે આવી સંસ્થાઓમાંથી બહાર આવતા બાળકોના મનમાં ઝેર ભરેલું હોય છે.
અખ્તરે સવાલ કર્યો હતો કે સરકાર 80થી 85 કરોડ લોકોને અનાજ આપી શકે છે તો તેમને શિક્ષણ કેમ નથી આપી શકતી? ભોજન જેટલું જ શિક્ષણ પણ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિને જીવનભર બે ટંકના ભોજન માટે બીજાની સામે હાથ નથી ફેલાવવો પડતો.
પરીક્ષામાં ગેરરીતિ સામે અવાજ ઉઠાવનારાઓને દેશવિરોધી ગણાવવાની પણ તેણે ટીકા કરી હતી. જો તમે દેશની ચિંતા કરતા હોવ પછી ભલે તમને કોઈ દેશદ્રોહી કહેવા દો. તેને બીજું પદ્મભૂષણ ગણી લેજો. તેણે કહ્યું હતું કે જ્ઞાાતિપ્રથાને કારણે શ્રમજીવી વર્ગો શિક્ષણથી વંચિત રહ્યા અને તેના કારણે ભારત ટેક્નોલોજીના ક્ષેત્રમાં પાછળ રહી ગયું. લુહાર, કુંભાર અને ખેડૂતોની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નહીં.
આ પ્રસંગે તેણે મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના શૈક્ષણિક તથા સામાજિક સુધારણાના યોગદાનને યાદ કરી તેમની કામગીરીને અસાધારણ ગણાવી હતી.















