છત્તીસગઢમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, છ નક્સલવાદીઓને કર્યા ઠાર
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન સામસામે ગોળીબારની ઘટનામાં બની છે. આ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે અને અત્યાર સુધીમાં 6 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાસ્થળેથી ઓટોમેટિક હથિયારો, ઈન્સાસ રાઈફલ, સ્ટેનગન, 303 રાઈફલ અને વિસ્ફોટક સામગ્રી સહિત માઓવાદીઓનો મોટો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
6 નક્સલવાદીઓ ઠાર
ડીઆરજી બીજાપુર, ડીઆરજી દંતેવાડા અને એસટીએફની સંયુક્ત ટીમે આજે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન નેશનલ પાર્ક વિસ્તારમાં માઓવાદીઓ સાથે અથડામણ થઈ, જે સવારથી ચાલુ હતી. પોલીસ અધિક્ષક ડો,જિતેન્દ્ર યાદવે છ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યાની પુષ્ટિ કરી છે.
આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન
બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) સુંદરરાજે કહ્યું કે, છ કુખ્યાત માઓવાદી માર્યા ગયા છે. ફરાર થયેલા અન્ય માઓવાદીઓને ઘેરી લેવા માટે ડીઆરજી, એસટીએફ, બસ્તર ફાઈટર, સીઆરપીએફ અને સીએએફની વધારાની ટીમોને આસપાસના વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે.
તારલાગુડમાં પણ અથડામણ, એક માઓવાદીને ઈજા
દરમિયાન, બીજાપુર જિલ્લાના તારલાગુડ વિસ્તારના અન્નારામના ગાઢ જંગલોમાં પણ સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે બીજી એક અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોએ ઘટનાસ્થળેથી એક ઘાયલ માઓવાદીને પકડી પાડ્યો છે. પકડાયેલા માઓવાદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.






