ચૂંટણી પહેલાં 5 રાજ્યોમાં મોટો ધરખમ ફેરફાર: મતદાર યાદીમાંથી સીધા 2.29 કરોડ નામો ગાયબ

ચૂંટણી પહેલાં 5 રાજ્યોમાં મોટો ધરખમ ફેરફાર: મતદાર યાદીમાંથી સીધા 2.29 કરોડ નામો ગાયબ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ચૂંટણી પંચ દ્વારા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં મતદાર યાદીની ખાસ ચકાસણી અને સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ પાંચેય રાજ્યોમાં કુલ મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, SIR પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં આ પાંચ રાજ્યોમાં કુલ 18.71 કરોડ મતદારો નોંધાયેલા હતા, જે આખરી યાદી પ્રસિદ્ધ થયા બાદ ઘટીને 16.43 કરોડ થઈ ગયા છે. એટલે કે કુલ મતદારોમાંથી અંદાજે 2.29 કરોડ (12.2 ટકા) જેટલા નામો યાદીમાંથી ઓછા થયા છે.

ઉત્તર પ્રદેશ: સૌથી મોટો ઘટાડો

જાહેરાત

પાંચ રાજ્યોમાં આવેલા કુલ ઘટાડામાંથી લગભગ 90 ટકા હિસ્સો એકલા ઉત્તર પ્રદેશનો છે. સુધારણા પ્રક્રિયા (SIR) પહેલાં રાજ્યમાં 15.44 કરોડ મતદારો હતા. ડ્રાફ્ટ યાદી બહાર પડી ત્યારે આ આંકડો ઘટીને 12.56 કરોડ થઈ ગયો હતો. જોકે, વાંધા-અરજીઓ અને પુનઃચકાસણી બાદ આખરી યાદીમાં 84 લાખ નામો ફરી ઉમેરવામાં આવ્યા હતા. આ સુધારા છતાં ઉત્તર પ્રદેશમાં આખરી મતદારોની સંખ્યા 13.40 કરોડ રહી છે, જે અગાઉની સરખામણીએ સીધો 13.24 ટકા(લગભગ 2.04 કરોડ)નો ઘટાડો દર્શાવે છે.

પંજાબ: 14 લાખ મતદારો ઘટ્યા

પંજાબમાં SIR પ્રક્રિયા પહેલાં મતદારોની કુલ સંખ્યા 2.15 કરોડ હતી. ડ્રાફ્ટ યાદીમાં તે ઘટીને 1.94 કરોડ થઈ ગઈ હતી, એટલે કે લગભગ 21 લાખ નામો હટાવી દેવાયા હતા. ત્યારબાદ અંતિમ યાદીમાં આશરે 7 લાખ નામો ફરી જોડવામાં આવ્યા. આ સુધારા બાદ પંજાબમાં આખરી મતદારોની સંખ્યા 2.01 કરોડ થઈ છે. આમ, પંજાબમાં કુલ 14 લાખ (6.34 ટકા) મતદારો ઓછા થયા છે.

ઉત્તરાખંડ: 8 લાખ મતદારો ઓછા થયા

ઉત્તરાખંડમાં ઝુંબેશ પહેલાં 80 લાખ નોંધાયેલા મતદારો હતા. ડ્રાફ્ટ લિસ્ટમાં આ સંખ્યા ઘટીને 71 લાખ થઈ ગઈ હતી. આખરી યાદીમાં માત્ર 1 લાખ જેટલા નામો પાછા ઉમેરાતા અંતિમ આંકડો 72 લાખ પર પહોંચ્યો હતો. રાજ્યમાં કુલ 8 લાખ (10.07 ટકા) મતદારોનો ઘટાડો થયો છે. નોંધનીય બાબત એ છે કે ડ્રાફ્ટ લિસ્ટમાંથી જે નામો કપાતાં હતાં તેમાંથી માત્ર 3 ટકા નામો જ આખરી યાદીમાં પુનઃ સ્થાન મેળવી શક્યા.

મણિપુર: કુલ 1.3 લાખ મતદારો ઘટ્યા

મણિપુરમાં SIR પ્રક્રિયા પહેલાં આશરે 20.9 લાખ મતદારો હતા. પ્રાથમિક ડ્રાફ્ટમાં આ સંખ્યા ઘટીને 19.3 લાખ થઈ ગઈ હતી. જરૂરી ચકાસણી બાદ આખરી લિસ્ટમાં કેટલાક નામો ઉમેરાતાં આંકડો 19.6 લાખ પર સ્થિર થયો હતો. આમ, મણિપુરમાં કુલ 1.3 લાખ (6.33 ટકા) મતદારો ઘટ્યા છે. ડ્રાફ્ટ યાદીમાંથી રદ કરાયેલા નામો પૈકી લગભગ 17 ટકા નામો અંતિમ યાદીમાં પાછા લાવવામાં આવ્યા હતા.

ગોવા: આખરી યાદીમાં ડ્રાફ્ટ કરતાં પણ વધુ નામો ઘટ્યા

ગોવામાં સુધારણા પહેલાં 11.85 લાખ મતદારો નોંધાયેલા હતા. ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા 10.85 લાખ થઈ હતી અને ચોંકાવનારી રીતે અંતિમ યાદીમાં તે વધુ ઘટીને 10.58 લાખ થઈ ગઈ. એટલે કે ગોવામાં કુલ 1.3 લાખ (10.76 ટકા) મતદારોનો ઘટાડો નોંધાયો છે. પાંચેય રાજ્યોમાં ગોવા એકમાત્ર એવું રાજ્ય રહ્યું જ્યાં ડ્રાફ્ટ યાદીમાંથી જે નામો હટાવાયા હતા તેમાંથી એકપણ નામ આખરી યાદીમાં પાછું ઉમેરાયું નથી, ઊલટાના વધુ નામો રદ થયા.

આવતા વર્ષની શરૂઆતમાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી

આ પાંચેય રાજ્યોમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની તૈયારી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ ચૂંટણીઓ આવતા વર્ષની શરૂઆતમાં કરાવી શકાય છે. આ હેતુથી હજુ પણ જે મતદારોના નામ છૂટી ગયા હોય તેમને નામ નોંધાવવાની વધારાની તક આપવામાં આવી રહી છે. સાથોસાથ, 1 જાન્યુઆરી સુધીમાં જે યુવાનો 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તેઓ પણ મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા (403 બેઠકો)ની મુદત આવતા વર્ષે 22 મેના રોજ પૂર્ણ થઈ રહી છે, જ્યારે મણિપુર (60 બેઠકો), ગોવા (40 બેઠકો), પંજાબ (117 બેઠકો) અને ઉત્તરાખંડ (70 બેઠકો)ની મુદત માર્ચ 2027માં સમાપ્ત થશે. કાયદા મુજબ કાર્યકાળ પૂર્ણ થવાના 6 મહિના પહેલાં ચૂંટણી પંચ ચૂંટણી યોજી શકે છે.

ચૂંટણી પંચે શરૂ કરી તૈયારીઓ અને સમીક્ષા બેઠકો

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે વહીવટી તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચના ઉચ્ચ અધિકારીઓ આ તમામ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. ઓક્ટોબર મહિના દરમિયાન મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબમાં ચૂંટણી સજ્જતા અંગે મહત્ત્વની સમીક્ષા બેઠકો યોજાઈ ચૂકી છે, જેમાં મતદાન મથકો, સુરક્ષા વ્યવસ્થા અને મતદાર યાદી સુધારણા જેવા તમામ મહત્ત્વના મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત