યુએસ મિડટર્મ ચૂંટણી પહેલાં યુદ્ધ વધુ ઉગ્ર: અમેરિકાનું દબાણ ફગાવી યુક્રેને રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર કર્યા ભીષણ ડ્રોન હુમલા

અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓ અગાઉ યુક્રેને રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર ફરીથી ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. રશિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુક્રેને નિઝની નોવગોરોડની 'ક્સ્ટોવો રિફાઇનરી' અને સમારાની 'રોસ્નેફ્ટ રિફાઇનરી'ને નિશાન બનાવીને આગ ચાંપી દીધી હતી. આ હુમલાઓથી નારાજ ક્રેમલિને આક્ષેપ કર્યો છે કે કિયેવ (યુક્રેન) હવે અમેરિકાની સૂચનાઓ અને વિનંતીઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહ્યું છે.
અમેરિકાના દબાણને ફગાવીને યુક્રેને હુમલા ચાલુ રાખ્યા
અગાઉ અહેવાલો આવ્યા હતા કે યુક્રેન અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયું છે અને રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા રોકવા સંમત થયું છે. જોકે, યુક્રેનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે જેરેડ કુશ્નર (ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ)ની 30 દિવસ માટે હુમલા રોકવાની માંગણી ક્યારેય સ્વીકારી નહોતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વૈશ્વિક બળતણના ભાવ વધારા માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જવાબદાર ઠેરવ્યા હતા અને ગયા મહિને રશિયન ડીઝલ પરના પ્રતિબંધો પણ હટાવી લીધા હતા.
'રશિયા રેકોર્ડ નુકસાન વેઠી રહ્યું છે' : ઝેલેન્સ્કીનો જવાબ
યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, 'રશિયા દ્વારા યુક્રેનના શહેરી ઊર્જા મથકો પર થઈ રહેલા સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપવો જરૂરી હતો. ઓક્ટોબર મહિનામાં રશિયાએ રેકોર્ડ 54,400 સૈનિકો (મૃત અને ઘવાયેલા) ગુમાવ્યા છે, જે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. વધુમાં, ગયા મહિને યુક્રેને રશિયાના કબજામાંથી 96.2 ચોરસ કિલોમીટર જમીન પાછી મેળવી છે.'
ઓલેશ્કીમાં યુએસ ફર્સ્ટ લેડી દ્વારા કરાવેલો વિરામ પૂર્ણ થયો
રશિયાના કબજાવાળા ઓલેશ્કી શહેરમાં અમેરિકાના ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પની મધ્યસ્થતાથી થયેલો 6 દિવસનો યુદ્ધવિરામ રવિવારે રાત્રે પૂરો થયો છે. આ દરમિયાન સેંકડો નાગરિકો સુરક્ષિત રીતે પોતાના પરિવારને મળી શક્યા અને બંને પક્ષે તેને સફળ ગણાવ્યો. જોકે, યુક્રેનના નિરીક્ષકોનું માનવું છે કે રશિયાએ આ સમયનો ઉપયોગ પોતાના થાકેલા સૈનિકોને બદલવા અને મોરચો મજબૂત કરવા માટે કર્યો હતો.
ત્રિપક્ષીય વાટાઘાટો અને સાયબર હુમલાનો દાવો
આ જ અઠવાડિયે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય વાટાઘાટો થવાની શક્યતા છે. ક્રેમલિને જણાવ્યું છે કે, 'વ્લાદિમીર પુતિન ઝેલેન્સ્કી સાથે સીધી ફોન પર વાત કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુરોપિયન નેતાઓને સામેલ કરવામાં નહીં આવે. દરમિયાન, યુદ્ધવિરામ પૂરો થતાં જ બંને દેશોમાં સાયબર હુમલાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં યુક્રેનમાં રેડિયેશન એલર્ટની ખોટી માહિતી વાઇરલ થઈ હતી અને રશિયાની ઇમરજન્સી એપ પણ હેક થઈ હોવાનો દાવો કરાયો હતો.'








