મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'એવું ઈચ્છતા હોવ તો પહેલા હિન્દુ ધર્મ છોડી દો...', મદ્રાસ હાઈકોર્ટે શખ્સની અરજી ફગાવી

જો કોઈ વ્યક્તિ પ્રમાણપત્ર પર પોતાની જાતિ અને સંપ્રદાયનો ઉલ્લેખ ન ઇચ્છતી હોય, તો તેણે પ

'એવું ઈચ્છતા હોવ તો પહેલા હિન્દુ ધર્મ છોડી દો...', મદ્રાસ હાઈકોર્ટે શખ્સની અરજી ફગાવી

જો કોઈ વ્યક્તિ પ્રમાણપત્ર પર પોતાની જાતિ અને સંપ્રદાયનો ઉલ્લેખ ન ઇચ્છતી હોય, તો તેણે પોતાનો ધર્મ છોડી દેવો પડશે. ત્યારે જ તે વ્યક્તિને "નો કાસ્ટ, નો રિલિજન" પ્રમાણપત્ર મળી શકશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન આવો આદેશ આપ્યો હતો. જસ્ટિસ કૃષ્ણન રામાસ્વામીએ જણાવ્યું હતું કે, હિન્દુ પરંપરા મુજબ જાતિ અને સંપ્રદાયનો ઉલ્લેખ કર્યા વિના પ્રમાણપત્ર જારી કરી શકાતું નથી જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ છોડી ન દે. આવી માંગણી સ્વીકારી શકાતી નથી. વધુમાં, જસ્ટિસ રામાસ્વામીએ એમ પણ કહ્યું હતું કે એકવાર કોઈ વ્યક્તિ આ રીતે પોતાનો ધર્મ છોડી દે તો આવા પ્રમાણપત્રની કોઈ જરૂર રહેશે નહીં.

આ કેસમાં એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તમિલનાડુના તિરુપત્તુર તાલુકા અધિકારીએ એવું પ્રમાણપત્ર જારી કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં તેમના ધર્મ અને જાતિનો ઉલ્લેખ ન હોય. તેમણે તાલુકા અધિકારીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે, તેના માતાપિતા હિન્દુ ધર્મ સાથે સંબંધ રાખતા હોવા છતાં મને એવું પ્રમાણપત્ર જોઈએ જેમાં જાતિ અને ધર્મનો ઉલ્લેખ ના હોય. તાલુકા અધિકારીએ તેમની વિનંતી એવું કહીને ફગાવી દીધી કે, આવું પ્રમાણપત્ર જારી કરવા અંગે કોઈ સરકારી આદેશ નથી.

અરજીની સુનાવણી કરતી વખતે, બેન્ચે તે વ્યક્તિને પૂછ્યું કે શું તેણે જે ધર્મમાં જન્મ્યો હતો તેનો ત્યાગ કર્યો છે. અરજદારે જવાબ આપ્યો કે ના તેણે પોતાના ધર્મનો ત્યાગ કર્યો નથી. જસ્ટિસ રામાસ્વામીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અરજદાર હિન્દુ ધર્મ મુજબ પોતાનો ધર્મ ત્યાગ ન કરે ત્યાં સુધી તેની અરજી પર વિચાર કરવામાં આવશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તે વ્યક્તિએ પોતાના ધર્મ ત્યાગનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી. આવી સ્થિતિમાં કોર્ટ તરફથી તાલુકા અધિકારીના આદેશને સમર્થન આપતાં અરજી ફગાવી દીધી છે.

પુરાવો લાવો અને પ્રમાણપત્ર મેળવો

કોર્ટે તે વ્યક્તિને પોતાનો ધર્મ ત્યાગ કરવાની અને સત્તાધિકારી સમક્ષ પુરાવા રજૂ કરવાની સ્વતંત્રતા પણ આપી. જો આવા પુરાવા સાથે અરજી સબમિટ કરવામાં આવશે તો આ સંદર્ભમાં પ્રમાણપત્ર જારી કરવાનો વિચાર કરી શકાય છે. આ પોતે જ એક રસપ્રદ કેસ હતો, જેમાં વ્યક્તિ પ્રમાણપત્રમાં જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવા માંગતો ન હતો.

આ સમાચાર શેર કરો