ભારતમાં LPG ઉત્પાદન 54 ટકા વધ્યું, ટેકનિકલ સુધારા બાદ રિફાઇનરીઓની ક્ષમતામાં થયો વધારો
હોર્મુઝ સ્ટ્રેટમાં હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણ

હોર્મુઝ સ્ટ્રેટમાં હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે, ભારતના 12 એલપીજી (LPG) જહાજોએ કોઈ પણ ટોલ આપ્યા વિના હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે. આ સાથે જ, એલપીજી એટલે કે, રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા માટે રિફાઇનરીઓમાં ઝડપથી ફેરફારો કરવામાં આવ્યા હતા. આ નવતર ઉપાયોએ દેશને આધુનિક ઈતિહાસના સૌથી મોટા ઉર્જા પુરવઠાના અવરોધ (Energy Supply Disruption) સામે લડવામાં મદદ કરી છે.
ફેબ્રુઆરીમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર સંકટ આવી ગયું હતું. ચાર મહિના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવાને કારણે ઊભા થયેલા પડકારોનો ઉલ્લેખ કરતા પુરીએ જણાવ્યું કે, સરકારે કોઈપણ અડચણ વિના ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોને આ વિક્ષેપની અસરથી બચાવવા માટે અનેક કટોકટીના પગલાં લીધાં હતાં.
રિફાઇનરીઓમાં વધારાયું LPG ઉત્પાદન
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, જે રિફાઇનરીઓમાં અગાઉ ક્યારેય રાંધણ ગેસનું ઉત્પાદન થતું ન હતું, તેમાં ઉત્પાદન વધારવા માટે માત્ર થોડા જ દિવસોમાં ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે, એલપીજીનું ઉત્પાદન 35 હજાર મેટ્રિક ટન (TMT) પ્રતિ દિવસથી વધીને 54 TMT પ્રતિ દિવસ થઈ ગયું. એટલે કે તેમાં સીધો 54 ટકાનો વધારો નોંધાયો છે.
આ દેશોમાંથી વધારવામાં આવ્યો સપ્લાય
મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું કે, 'ભારતે ક્રૂડ ઓઈલની આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવીને, એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરીને અને અનેક દેશોમાંથી એલપીજીનો વૈકલ્પિક સપ્લાય સુનિશ્ચિત કરીને સ્થાનિક ગ્રાહકોને ગેસની અછતથી બચાવ્યા છે. સરકારના આ નીતિવિષયક પગલાંને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ હોવા છતાં દેશમાં રાંધણ ગેસ અને ઈંધણનો પુરવઠો સ્થિર રહ્યો. ભારતે અલ્જીરિયા, જાપાન અને કેનેડા જેવા દેશો સાથે એલપીજી સપ્લાય માટે નવી વ્યવસ્થાઓ કરી. સાથે જ દેશની સ્થાનિક માંગને પૂરી કરવા માટે અમેરિકા પાસેથી વધારાનો જથ્થો પણ મેળવ્યો હતો'
કાળાબજારી પર સકંજો
સંકટના આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા લેવાયેલા પગલાંમાં માર્ચ મહિનામાં ઈંધણ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં રૂપિયા 10 પ્રતિ લીટરનો ઘટાડો પણ સામેલ હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ઘરો સુધી પહોંચતા રાંધણ ગેસની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી, અને કાળાબજારી કરનારાઓ દ્વારા આ કિંમતી સપ્લાયની ઉથલપાથલ રોકવા માટે ડિજિટલ ઓથેન્ટિકેશન કોડ (Digital Authentication Code) અનિવાર્ય કરવામાં આવ્યો હતો.








