જમ્મુ કાશ્મીરમાંથી લશ્કર એ તૈયબાનો આતંકી ઝડપાયો, પહેલગામ હુમલામાં હતી સંડોવણી
પહેલગામ આતંકવાદી હુમલા અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પહેલગામ હુમલો કરનારા આતંક

પહેલગામ આતંકવાદી હુમલા અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓના એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય મોહમ્મદ યુસુફ કટારિયા નામના આતંકવાદીની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કટારિયાએ આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો અને તેમને હુમલાઓનું આયોજન કરવામાં મદદ કરી હતી. જોકે, તે બૈસરન આતંકવાદી હુમલામાં સીધો સંડોવાયેલો નહોતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કટારિયાની એક દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનગર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન થકી બ્રિનલ-લામાડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા કુલગામના ઉપરના વિસ્તારોમાં રહેતા ધુમંતુ સમુદાયમાંથી આવે છે. જેમની ઝૂંપડીઓ પહાડી વિસ્તારોમાં આવેલી છે. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા દક્ષિણ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ મેળવવા માટે આ વિસ્તારોનો અને આ વિસ્તારમાં રહેતા લોકોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, કટારિયાને શોધવા માટે રિવર્સ ઇન્વેસ્ટિગેશનની મદદ લેવામાં આવી હતી. તપાસ ટીમે વિવિધ બાબતોનું વિશ્લેષણ કરીને તેને શોધી કાઢી ધરપકડ કરી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, કટારિયા આતંકવાદીઓને શસ્ત્રો, સીધું સામાન અને અન્ય આવશ્યક જીવનજરૂરી સામગ્રી પૂરી પાડતો હતો.
પોલીસે કટારિયાની ધરપકડને આતંકવાદ સામે એક મહત્વપૂર્ણ સફળતા ગણાવી હતી. આનાથી દક્ષિણ કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્કને કાબુમાં લેવામાં મદદ મળશે.






