દાર્જિલિંગમાં ભૂસ્ખલને ચોતરફ વેર્યો વિનાશ; 17 લોકોના મોત, જનજીવન ઠપ
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (૪ ઓક્ટોબર, ૨૦૨૫) ભારે વરસાદને કારણે ભૂસ્ખ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (૪ ઓક્ટોબર, ૨૦૨૫) ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત નિપજ્યા છે. દાર્જિલિંગમાં ભૂસ્ખલનથી અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રસ્તાઓને નુકસાન થયું છે.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે અનેક ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘણા વિસ્તારોમાં લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે. ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત થયા છે.
બચાવ કામગીરી પુરજોશમાં
જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો દ્વારા દાર્જિલિંગમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે એનડીઆરએફને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પૈકી એક મિરિક તળાવ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ-વડાપ્રધાને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા જાનહાનિ ખૂબ જ દુ:ખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.






