10મી વખત મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ડેપ્યુટી સીએમ; જાણો ત્રણેયમાંથી કોણ છે વધુ ધનિક
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, નીતિશ કુમારે ગુરુવારે 10મી વખત રાજ્યના મુખ્યમંત

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, નીતિશ કુમારે ગુરુવારે 10મી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. ખાસ વાત એ છે કે, બિહાર સરકારમાં ફરી એકવાર જૂની ત્રિપુટી જોવા મળી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધી. નેટવર્થની દૃષ્ટિએ, ત્રણેય નેતાઓ કરોડપતિ છે, પરંતુ અમે તમને જણાવશું કે કોણ સૌથી વધુ ધનિક છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે કેટલી સંપત્તિ છે
10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા નીતિશ કુમારની નેટવર્થ અંગે વાત કરીએ, તો ગયા વર્ષના અંતમાં બિહાર સરકારની વેબસાઈટ પર સંપૂર્ણ વિગતો શેર કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમારની કુલ સંપત્તિ 1.64 કરોડ રૂપિયા છે, જેમાં સ્થાવર અને જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે. નીતિશ કુમાર પાસે 21,052 રોકડ રૂપિયા હોવાનું અને વિવિધ બેંક ખાતાઓમાં આશરે 60,811.56 રૂપિયા જમા હોવાનું જણાવાયું હતું. તેમની સ્થાવર સંપત્તિનું મૂલ્ય 1.48 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું.
સમ્રાટ ચૌધરીની નેટવર્થ
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મુંગેરની તારાપુર બેઠક પરથી સતત બીજી વખત જીત મેળવી હતી. ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. આ સોગંદનામાના આધારે, સમ્રાટ ચૌધરીની કુલ સંપત્તિ 11.34 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. તેમની અને તેમના પરિવાર પાસે 1,71,550 રૂપિયા રોકડ અને વિવિધ બેંક ખાતાઓમાં આશરે 27 લાખ રૂપિયા જમા છે.
આ સિવાય પતિ-પત્ની પાસે આશરે 40 લાખ રૂપિયાનું સોનું હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે શેર, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડમાં આશરે 32 લાખ રૂપિયા અને LIC અને SBI લાઇફ ઇન્શ્યોરન્સ સાથે વીમા પોલિસીમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમના પીપીએફ ખાતામાં પણ 10 લાખ રૂપિયા છે. તેમની પાસે કોઈપણ પ્રકારનું દેવું નથી. કારની વાત કરીએ તો, તેમની પાસે લગભગ 7 લાખ રૂપિયાની કિંમતની બોલેરો નીઓ કાર છે.
સમ્રાટ ચૌથરીની સ્થાવર સંપત્તિમાં મુંગેરના તારાપુર, માણિકપુર અને ખાજપુરામાં 8 કરોડ રૂપિયાથી વધુની કૃષિ અને બિન-કૃષિ જમીનનો સમાવેશ થાય છે. તેમની પત્ની પાસે 50 લાખ રૂપિયાની ખેતીલાયક જમીન અને પટણામાં 58 લાખ રૂપિયાની કિંમતની વ્યાપારી ઈમારત પણ છે. તેમની પાસે કોઈ રહેણાંક મિલકત નથી.
વિજય કુમાર સિંહા સૌથી ધનિક છે
લખીસરાયથી ચૂંટણી જીતનારા વિજય કુમાર સિંહા બિહારના બીજા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. નેટવર્થની દૃષ્ટિએ, તેઓ સમ્રાટ ચૌધરીની બરાબરીમાં છે. ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ, વિજય કુમાર સિંહાની કુલ સંપત્તિ 11.62 કરોડ રૂપિયા છે. તેમના પર 1.21 કરોડ રૂપિયાનું દેવું પણ છે.
સોગંદનામા મુજબ, તેમની અને તેમના પરિવાર પાસે 1.25 લાખ રૂપિયા રોકડા, 59 લાખ રૂપિયા બેંક ડિપોઝીટ અને 91 લાખ રૂપિયાનું શેર અને બોન્ડમાં રોકાણ છે. વધુમાં, તેમની પાસે આશરે 25 લાખ રૂપિયાની કિંમતની મહિન્દ્રા SUV કાર છે. તેમની પત્ની પાસે ટવેરા અને બોલેરો જેવી કાર છે. વિજય કુમાર સિંહા અને તેમની પત્ની પાસે 59 લાખ રૂપિયાના સોનાના દાગીના પણ છે.
સ્થાવર મિલકતની વાત કરીએ, તો વિજય કુમાર સિંહા અને તેમની પત્ની પાસે આશરે 16 લાખ રૂપિયાની ખેતીલાયક જમીન, 87 લાખ રૂપિયાની બિનકૃષિ જમીન અને 4 કરોડ રૂપિયાથી વધુ કિંમતની કોમર્શિયલ બિલ્ડીંગ છે. આ ઉપરાંત, રહેણાંક મિલકતોની વાત કરીએ તો, બંને પાસે 2 કરોડ રૂપિયાના બે ઘર છે.








