'૩૦૦૦ વીઘા, આખો જિલ્લો!' આસામમાં ખાનગી કંપની દ્વારા જમીન ખરીદી મુદ્દે ગુસ્સે ભરાયા જજ
આસામના આદિવાસી પ્રભુત્વ ધરાવતા દિમા હસાઓ જિલ્લામાં ખાનગી સિમેન્ટ કંપનીને ૩,૦૦૦ વીઘા (અંદાજિત ૧

આસામના આદિવાસી પ્રભુત્વ ધરાવતા દિમા હસાઓ જિલ્લામાં ખાનગી સિમેન્ટ કંપનીને ૩,૦૦૦ વીઘા (અંદાજિત ૧,૦૦૦ એકર) જમીન ફાળવવા બાબતે ગુવાહાટી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ખાનગી કંપની ૩,૦૦૦ વીઘા જમીન કેવી રીતે ખરીદી શકે? હાઈકોર્ટે છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતા આ વિસ્તારના ૨૨ સ્થાનિકોની રિટ પિટિશન પર સુનાવણી કરતી વખતે કહ્યું કે, કોઈ એક ખાનગી કંપની દ્વારા આટલી બધી જમીન ખરીદીથી તેઓ સ્તબ્ધ અને પરેશાન છે.
ગુવાહાટી હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન પૂછ્યું કે, શું આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી છે. રિટ પિટિશનની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ સંજય કુમાર મેધી અને રાજ્યના એડવોકેટ જનરલ દેબોજીત સૈકિયા વચ્ચે લાંબી દલીલો થઈ કે શું છઠ્ઠી અનુસૂચિ વિસ્તારના ઉમરાંસોમાં ફેક્ટરી સ્થાપવા માટે મહાબલ સિમેન્ટને આટલી જમીન કેમ આપવી જોઈએ.
યુટ્યુબ ચેનલ પર લાઈવ સુનાવણી
સુનાવણી હાઈકોર્ટના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ મેધીએ કહ્યું કે, કોર્ટ 3,000 વીઘા જમીનની ફાળવણીથી નારાજ છે. અમે ફક્ત નીતિ કેવી રીતે બનાવવામાં આવી તેનો રેકોર્ડ જોવા માંગીએ છીએ. આસામના એડવોકેટ જનરલ સૈકિયાએ કોર્ટને જણાવ્યું કે સિમેન્ટ કંપનીએ પ્રતિ વીઘા 2 લાખ રૂપિયાના દરે જમીન ખરીદી હતી. આ બાબતે કોર્ટે સરકારને સોગંદનામું દાખલ કરવા કહ્યું છે.
3,000 વીઘા જમીનની વાત સાંભળીને ચોંકી ગયા
સુનાવણી દરમિયાન જજ સંજય કુમાર મેધી 3,000 વીઘા જમીનની વાત સાંભળીને ચોંકી ગયા. આખો જિલ્લો? શું થઈ રહ્યું છે? 3,000 વીઘા જમીન ખાનગી કંપનીને આપવામાં આવી રહી છે. જમીન પર અધિકારક્ષેત્ર ધરાવતા NC હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ (NCHAC) ના વકીલે દિમા હાસાઓમાં સિમેન્ટ ફેક્ટરીને 3,000 વીઘા જમીન ફાળવવા સંબંધિત કેટલાક કાગળો રજૂ કર્યા, પરંતુ કોર્ટે તેમને આખી પ્રક્રિયાની સંપૂર્ણ ફાઇલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. જેમાં છઠ્ઠી અનુસૂચિ વિસ્તારમાં જમીનનો મોટો ભાગ ખાનગી પેઢીને ફાળવવાનો નિર્ણય શામેલ છે. તેમણે NCHAC ને આગામી સુનાવણીમાં ફાઇલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી અને તેણે પોતાનો અહેવાલ સુપરત કરી દીધો છે.






