ઝારખંડમાં મતદાન પહેલા IT વિભાગની મોટી કાર્યવાહી, CMના અંગત સચિવના ઘરે દરોડા

-
આ પહેલા 14 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સરકારના કેબિનેટ મંત્રીના ભાઈના ઘરે દરોડા પાડ્યા હતા
મુખ્યમંત્રી હેમંત સોરેનના પર્સનલ સચિવ સુનીલ શ્રીવાસ્તવ તથા તેમની સાથે જોડાયેલા ઠેકાણાઓ પર શનિવારે ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું છે. આ રેડ રાંચીમાં સાત તથા જમશેદપુરમાં નવ ઠેકાણે ચાલી રહી હોવાની માહિતી મળી છે. આ રેડને ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગને સૂચના છે કે હવાલાના માધ્યમથી રૂપિયાની લેણદેણ થઇ છે.
આ પણ વાંચો : ભાજપે ઝારખંડ માટે બે ઉમેદવારના નામ કર્યા જાહેર, હેમંત સોરેન સામે ગમાલિયનને ઉતાર્યા મેદાનમાં
સુનીલ શ્રીવાસ્તવ સીએમ હેમંત સોરેનના અંગત સચિવ હોવાની સાથે જ ઝારખંડ મુક્તિ મોરચના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.
14 ઓક્ટોબરે દરોડો પાડ્યો હતો
આ પહેલા 14 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સરકારના કેબિનેટ મંત્રીના ભાઈના ઘરે દરોડા પાડ્યા હતા. ઈડીએ જલ જીવન મિશનમાં થયેલા કૌભાંડના સંબંધમાં સોરેન સરકારના કેબિનેટ મંત્રી મિથલેશ ઠાકુરના ભાઈ વિનય ઠાકુર, ખાનગી સચિવ હરેન્દ્ર સિંહ અને વિભાગના અનેક એન્જિનિયરોના ઘર પર દરોડા પાડ્યા હતા.
પ્રથમ તબક્કાની ચૂંટણી 13 નવેમ્બરે
ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે, તે પહેલા આવકવેરા વિભાગે મુખ્યમંત્રીના ખાનગી સચિવના પરિસરમાં દરોડા પાડ્યા છે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23મી નવેમ્બરે આવશે.

