ઝારખંડ હાઈકોર્ટે JSSC-CGL પરીક્ષા રદ કરવાનો સરકારનો નિર્ણય ફગાવ્યો, 2,300 ઉમેદવારોને મોટી રાહત

ઝારખંડ હાઈકોર્ટે (Jharkhand High Court) રાજ્યની હેમંત સોરેન સરકારને મોટો ઝટકો આપતાં વર્ષ 2024ની ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC)ની સંયુક્ત સિવિલ સર્વિસ પરીક્ષા (CGL)ની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયને રદ કરી દીધો છે. કોર્ટે સરકારના આ નિર્ણયને અન્યાયી ગણાવી જાહેરાત નંબર 10/2023 હેઠળ પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી આશરે 2,300 ઉમેદવારોને રાહત મળી છે.
પસંદગી પામેલા ઉમેદવારોની સેવા સતત ગણાશે
જસ્ટિસ દીપક રોશનની અદાલતે સ્પષ્ટ કર્યું છે કે પસંદ થયેલા ઉમેદવારોની સેવા સતત (Continuous Service) ગણવામાં આવશે. ભરતી રદ કરવાના અગાઉના સરકારી જાહેરનામાને કારણે ઉમેદવારોને પગાર સહિતના નાણાકીય અને અન્ય સેવાકીય લાભોથી વંચિત રાખી શકાશે નહીં.
અધૂરી તપાસના આધારે સમગ્ર પરીક્ષા રદ કરવી અયોગ્ય
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે અધૂરી તપાસના આધારે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી યોગ્ય નથી. રાજ્ય સરકાર સમગ્ર પસંદગી પ્રક્રિયામાં વ્યવસ્થિત ગેરરીતિ થઈ હોવાના કોઈ નક્કર પુરાવા કે તથ્ય આધારિત તપાસ રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. કોર્ટે નોંધ્યું કે માત્ર કેટલાક ઉમેદવારો સામે ગેરરીતિના આરોપો હોવા અથવા તપાસ ચાલુ હોવાના કારણે તમામ પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક રદ કરી શકાય નહીં. તપાસ પૂર્ણ થયા બાદ જ દોષિત અને નિર્દોષ ઉમેદવારો વચ્ચે ભેદ કરી શકાય.
ઉમેદવારોને પક્ષ રજૂ કરવાની તક આપવી જરૂરી
અદાલતે કુદરતી ન્યાયના સિદ્ધાંત (Principles of Natural Justice) પર ભાર મૂક્યો હતો. સરકાર કોઈ ઉમેદવાર વિરુદ્ધ કાર્યવાહી કરે તે પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જરૂરી છે. આ મામલે સરકાર ઉમેદવારોને સાંભળ્યા વિના સમગ્ર ભરતી રદ કરવાનો યોગ્ય આધાર આપી શકી નહોતી.
465 શંકાસ્પદ ઉમેદવારો સામે તપાસ
સરકારે અગાઉ CID તપાસના અહેવાલ અને વિદ્યાર્થીઓનાં વ્યાપક વિરોધને ટાંકીને પરીક્ષા તથા પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક રદ કરી હતી. તપાસ દરમિયાન આશરે 465 શંકાસ્પદ ઉમેદવારોને ઓળખી તેમને નોટિસ પણ આપવામાં આવી હતી.
ઉમેદવારોએ હાઈકોર્ટમાં આપી હતી અરજી
પસંદ થયેલા ઉમેદવાર આકાશ ગૌરવ સહિત અન્ય ઉમેદવારોએ સરકારના નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. અરજદારોની દલીલ હતી કે કેટલાક લોકોની કથિત ગેરરીતિની સજા મહેનત અને યોગ્યતાના આધારે પરીક્ષા પાસ કરનારા તમામ ઉમેદવારોને આપી શકાય નહીં. કોર્ટે આ મામલે 8 ઓક્ટોબરે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. હવે ભરતી પ્રક્રિયા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપતાં ઉમેદવારોને મોટી રાહત મળી છે.









