બીમારીમાં પત્નીનો સાથ આપવો પતિની ફરજ, ઝારખંડ હાઈકોર્ટે છૂટાછેડાની અરજી ફગાવી

બીમારીમાં પત્નીનો સાથ આપવો પતિની ફરજ, ઝારખંડ હાઈકોર્ટે છૂટાછેડાની અરજી ફગાવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઝારખંડ હાઈકોર્ટે (Jharkhand High Court) લગ્નજીવન અને પતિ-પત્નીની જવાબદારી અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન માત્ર સુખના સમયમાં સાથે રહેવાનું બંધન નથી, પરંતુ મુશ્કેલીઓ અને બીમારીમાં પણ એકબીજાનો સાથ આપવાની જવાબદારી છે. પત્નીની કથિત માનસિક બીમારી અને ક્રૂરતાના આરોપોના આધારે છૂટાછેડા (Divorce) માગતા પતિની અરજી કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સુજિત નારાયણ પ્રસાદ અને જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે ચતરાની ફેમિલી કોર્ટના 7 સપ્ટેમ્બર, 2024ના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. પતિએ હિન્દુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1)(ia) અને 13(1)(iii) હેઠળ છૂટાછેડાની અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કર્યા બાદ ફેમિલી કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

માનસિક બીમારી માટે તબીબી પુરાવા જરૂરી

કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોઈ વ્યક્તિને માનસિક બીમારી હોવાનો આરોપ માત્ર અસામાન્ય વર્તન કે એકાદ-બે ઘટનાઓના આધારે સાબિત થઈ શકતો નથી. તેના માટે નિષ્ણાત તબીબી પુરાવા (Expert Medical Evidence) જરૂરી છે. બીમારીની ગંભીરતા એવી હોવી જોઈએ કે પતિ-પત્ની માટે સાથે રહેવું અશક્ય અથવા ગેરવાજબી બને.

જાહેરાત

પતિએ લગાવ્યા હતા ગંભીર આરોપ

આ દંપતીએ 31 જાન્યુઆરી, 2016ના રોજ લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે. પતિ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને તેની પોસ્ટિંગ રાજસ્થાનના કોટામાં હતી. પતિનો આરોપ હતો કે લગ્નના શરૂઆતના દિવસોથી જ પત્નીનું વર્તન અસામાન્ય અને આક્રમક હતું. તે કારણ વિના હસતી, પોતાની સાથે વાતો કરતી અને સંબંધીઓ સામે અયોગ્ય કપડાંમાં આવતી હોવાનો પણ દાવો કર્યો હતો. પતિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે લગ્ન પહેલાં પત્નીની માનસિક સ્થિતિ અંગેની માહિતી છુપાવવામાં આવી હતી. જોકે, પત્નીએ માનસિક બીમારીના આરોપોને નકારી કાઢ્યા હતા અને પતિ પર પાંચ લાખ રૂપિયાના દહેજની માગણી કરીને હેરાન કરવાનો આક્ષેપ કર્યો હતો.

આરોપો સાબિત કરવા પૂરતા પુરાવા ન મળ્યા

હાઈકોર્ટે નોંધ્યું કે પતિ કે તેના સાક્ષીઓ પત્ની દ્વારા કરવામાં આવેલી શારીરિક હિંસા, અપશબ્દો કે હેરાનગતિની કોઈ ચોક્કસ ઘટના રજૂ કરી શક્યા નહોતા. આરોપો સામાન્ય પ્રકારના હતા અને તેને સમર્થન આપતા પુરાવા પણ નહોતા. કોર્ટે એ પણ નોંધ્યું કે પતિના પરિવારે લગ્ન પહેલાં પત્નીને ઓળખતા હોવાના કારણે તેની માનસિક સ્થિતિ છુપાવવામાં આવી હોવાનો દાવો પણ નબળો જણાય છે. કોર્ટે કહ્યું કે લગ્નજીવનમાં બીમારી કે મુશ્કેલીઓ આવે ત્યારે જીવનસાથીને છોડી દેવાને બદલે એકબીજાનો સાથ આપવો જોઈએ. માત્ર આરોપો કે અસામાન્ય વર્તનના દાવાના આધારે લગ્નસંબંધ તોડી શકાય નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત