બિહાર હત્યા કેસમાં જેલમાં બંધ અનંતસિંહની જીત, JDU ઉમેદવાર છઠ્ઠી વખત બનશે ધારાસભ્ય
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હત્યાના કેસમાં જેલમાં ધકેલાયેલા બાહુબલી નેતા અનંત સિંહની મોટી જીત થઈ છે. અનંત સિંહ જનતા દળ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હત્યાના કેસમાં જેલમાં ધકેલાયેલા બાહુબલી નેતા અનંત સિંહની મોટી જીત થઈ છે. અનંત સિંહ જનતા દળ યુનાઈટેડ તરફથી મોકામા બેઠક પરના ઉમેદવાર છે અને તેમણે આરજેડીના મહિલા ઉમેદવારને મોટી હાર આપી છે. મોકામામાં અનંત સિંહ સામે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર વીણા દેવી ચૂંટણી મેદાનમાં હતાં. જેમાં અનંત સિંહે વીણા દેવીને 28 હજાર મતોથી હરાવીને ફરી જીત મેળવી છે. અનંત સિંહને 91416 મત મળ્યા છે, જ્યારે વીણા દેવીને 63210 મત મળ્યા છે. મોકામા બેઠક બાહુબલી અને પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ બેઠક જનતા દળ યુનાઈટેડની પરંપરાગત બેઠક છે, જેના પર પાર્ટીએ ફરી જીત મેળવી છે.
મોકામામાં હત્યાના વિવાદમાં અનંત સિંહ જેલમાં
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે મોકામામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જન સુરાજ પાર્ટીના સમર્થક દુલાર ચંદનું મોત થયું હતું. હત્યાનો આરોપ બાહુબલી નેતા તથા જનતા દળ યુનાઈટેડના ઉમેદવાર અનંત સિંહ તથા તેમના સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. કારણ કે દુલારચંદ યાદવ અને અનંત સિંહ એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવતા હતા. ઘટનામાં બિહાર પોલીસે અનંત સિંહની ધરપકડ કરી હતી, જેઓ હાલ જેલમાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દુલારચંદ યાદવના શરીર પર ગોળી અને ઈજાના નિશાન મળ્યા છે. આ મામલે અનંત સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. દુલારચંદ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના સમર્થક હતા. RJD ઉમેદવાર વીણા દેવીના કાફલા પર પણ પથ્થરમારાની ઘટના થઈ ચૂકી છે.
ચૂંટણી પરિણામમાં NDAએ બહુમતનો આંકડો પાર કર્યો
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 92 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 82 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 21 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 25, કોંગ્રેસ પાંચ, સીપીઆઈએમએલએલ ત્રણ, સીપીઆઈએમ એક બેઠક પર આગલ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.






