'હિંસા પૂર્વ આયોજિત, 78 વર્ષમાં હિન્દુઓની 30 ટકા વસ્તી ઘટી', સંભલ મામલે તપાસ કમિટિએ સોંપ્યો રિપોર્ટ
યુપીના સંભલમાં ગત વર્ષે થયેલી હિંસા મુદ્દે થયેલા કેસમાં રચાયેલી સમિતિએ સીએમ યોગી આદિત્ય

યુપીના સંભલમાં ગત વર્ષે થયેલી હિંસા મુદ્દે થયેલા કેસમાં રચાયેલી સમિતિએ સીએમ યોગી આદિત્યનાથને રિપોર્ટ સોંપ્યો છે. સંભલ હિંસા કેસમાં સીએમ યોગીને 450 પાનાનો રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. 24 નવેમ્બર 2024ના રોજ થયેલી બબાલ અને તે પછી થયેલી હિંસા સહિતની વિગતનો રિપોર્ટ રજૂ કરાયો છે. આ રિપોર્ટમાં સંભલના ઇતિહાસમાં ક્યારે અને કેટલા રમખાણો થયા, એ સમયે શું ઘટના બની તેના વિશે પણ વિગતવાર રિપોર્ટ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભલમાં ન્યાયિક હિંસાના રિપોર્ટમાં વસ્તી વિષયક પરિવર્તનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું હતું કે એક સમયે સંભલમાં 45 ટકા હિન્દુઓ રહેતા હતા. જે ઘટીને આજે માત્ર 15 થી 20 ટકા થઈ ગયા છે. હવે આ રિપોર્ટ પછી સરકાર શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.
હિંસા પૂર્વ આયોજિત હતી: રિપોર્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભલ સમિતિના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 24 નવેમ્બર 2024ની હિંસા પૂર્વ આયોજિત એક ષડયંત્રનું પરિણામ હતું. નમાઝીઓને ઉશ્કેરવા સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે કહ્યું હતું કે, આપણે આ દેશના માલિક છીએ. સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્ક, ધારાસભ્યના પુત્ર સુહેલ ઇકબાલ અને ઇન્તેજામિયા સમિતિના અધિકારીઓ મુખ્ય ભૂમિકામાં હતા.
એવો આરોપ છે કે સંભલ જામા મસ્જિદની ઇન્તેજામિયા સમિતિએ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. 22 નવેમ્બરે સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે નમાઝીઓને સંબોધતા ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'આપણે પોલીસ પ્રશાસનથી દબાઈ જનારા નથી, આપણે આ દેશના માલિક છીએ. નોકર કે ગુલામ નહીં'. હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે, મસ્જિદ હતી, મસ્જિદ છે, ઇન્શા-અલ્લાહ મસ્જિદ કયામત સુધી રહેશે. અયોધ્યામાં જે રીતે અમારી મસ્જિદ છીનવી લેવામાં આવી તે અહીં થવા નહીં દઈએ.
આ અહેવાલ સૌપ્રથમ રાજ્ય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે. મંત્રીમંડળની મંજૂરી મળ્યા બાદ, તેને આગામી વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે અહેવાલમાં હિંસાના કારણો, વહીવટીતંત્રની ભૂમિકા, ગુપ્તચર તંત્રની નિષ્ફળતા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટેના સૂચનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.








