UPના સંભલમાં શાહી જામા મસ્જિદનો મુદ્દો વકર્યો, સરકારે કહ્યું " કૂવો જ નહી આખેઆખી મસ્જિદ જ સરકારી જમીન પર"
ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદની પાસેના કૂવાને યોગી સરકારે તે 19 પ્રાચીન કૂવામાંથી એક ગણા

ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદની પાસેના કૂવાને યોગી સરકારે તે 19 પ્રાચીન કૂવામાંથી એક ગણાવ્યો છે, જેના જીર્ણોદ્ધારની યોજના છે. સોમવારે (24 ફેબ્રુઆરી, 2025) સુપ્રીમ કોર્ટમાં દાખલ રિપોર્ટ્સમાં રાજ્ય સરકારે કહ્યું છે કે, કૂવો સાર્વજનિક જમીન પર છે. તેને મસ્જિદનો ભાગ ગણાવનારો દાવો ખોટો છે.
ધ્યાન રહે કે શાહી મસ્જિદ હકીકતમાં હરિહર મંદિર હોવાને લઈને કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટમાં કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી રાખી છે. આ વચ્ચે મસ્જિદ કમિટીએ સંભલમાં પ્રાચીન કૂવાઓની શોધખોળ અને ખોદકામ વિરૂદ્ધ અરજી દાખલ કરી દીધી.
મસ્જિદ પક્ષે ખાસ કરીને પરિસરની પાસેના કૂવાને લઈને યથાસ્થિતિ બનાવી રાખવાની માગ કરી. કમિટીનું કહેવું હતું કે, કૂવાના ખોદકામ અને તેને મંદિરનો કૂવો કહેવાથી ત્યાં પૂજા શરૂ થઈ જશે. 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સંભલમાં શાહી જામા મસ્જિદની નજીકના કૂવાને હરિ મંદિરનો કૂવો કહેનારી નગરપાલિકાની નોટિફિકેશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે 25 ફેબ્રુઆરીએ આગામી સુનાવણીની વાત કહેતા ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો. હવે ઉત્તરપ્રદેશ સરકારે જવાબ દાખલ કર્યો છે.
- મસ્જિદ કમિટીએ ખોટા ફોટોગ્રાફ રજૂ કરીને કોર્ટને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. કૂવો મસ્જિદ પરિસરની પાસે છે, તેની અંદર નથી. કૂવાનો મસ્જિદ સાથે કોઈ સંબંધ નથી. શાહી મસ્જિદ ખુદ જ સાર્વજનિક જમીન પર બનેલી છે.
- લાંબા સમયથી કૂવાનો ઉપયોગ તમામ સમુદાયના લોકો કરી રહ્યા છે. 1978માં થયેલા સાંપ્રદાયિક રમખાણો બાદ કૂવાના એક ભાગ પર પોલીસ ચોકી બનાવી દેવાઈ. બીજો ભાગ ત્યારબાદ પણ ઉપયોગમાં રહ્યો. પરંતુ 2012ની આસપાસ આ કૂવાને ઢાંકી દેવાયો.
- આ કૂવો તે 19 પ્રાચીન કુવાઓમાંથી એક છે, જેનું જિલ્લા તંત્ર જિર્ણોદ્ધાર કરવામાં લાગેલું છે. આ ઐતિહાસિક કૂવાથી સંભલને સાંસ્કૃતિક ઓળખ મળશે.
- નવી સાંસ્કૃતિક ઓળખથી મોટી સંખ્યામાં પર્યટક આકર્ષિત થશે. તંત્રની યોજના પરિક્રમા પથ, સાઇન બોર્ડ જેવી ઘણી બધી સુવિધાઓનો વિકાસ પણ છે. મસ્જિદ કમિટી વિસ્તારના વિકાસને રોકવાના પ્રયાસ કરી રહી છે.
- કૂવામાં હાલ પાણી નથી. તંત્રનો ઉદ્દેશ્ય આ કૂવા દ્વારા રેન વૉટર હાર્વેસ્ટિંગ, વૉટર રિચાર્જ અને બીજા ઉદ્દેશ્યને પૂર્ણ કરવાનો પણ છે.
- સરકાર વિસ્તારમાં સતત શાંતિ સદભાવ બનાવી રાખવામાં લાગેલી છે. સાર્વજનિક કૂવાના ઉપયોગને રોકવા આ પ્રમાણે યોગ્ય નહીં રહે.
મંગળવારે થનારી સુનાવણીમાં હિન્દુ પક્ષ પણ પોતાની વાત રાખશે. ગત સુનાવણીમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, 2006 સુધી હિન્દુ તે કૂવામાં પૂજા કરતા હતા. વિસ્તારમાં એક સમુદાયની સંખ્યા વધવાથી હિન્દુઓને ત્યાં જવાનું બંધ કરી દેવાયું. તેઓ આ અંગે પૂરાવા કોર્ટમાં રજૂ કરશે.








