સંરક્ષણ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ: MIRV ટેકનોલોજીથી સજ્જ 'અગ્નિ' મિસાઇલનું સફળ પરીક્ષણ
ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી ઐતિહાસિ

ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ અદ્યતન ટેકનોલોજી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.
ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવાર, 8 મે 2026 ના રોજ ઓડિશાના ડો. એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) સિસ્ટમથી સજ્જ એડવાન્સ 'અગ્નિ' (Agni) મિસાઈલનું સફળ ફ્લાઈટ-ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજી સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. જે એક જ મિસાઈલ દ્વારા અલગ-અલગ ભૌગોલિક વિસ્તારોમાં અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
MIRV ટેકનોલોજીની તાકાત
આ પરીક્ષણ દરમિયાન, મિસાઈલને મલ્ટિપલ પેલોડ્સ (હથિયારો) સાથે લોન્ચ કરવામાં આવી હતી. હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા વિવિધ લક્ષ્યોને આ મિસાઈલે ચોકસાઈપૂર્વક વીંધ્યા હતા. સામાન્ય મિસાઈલ માત્ર એક જ લક્ષ્ય પર પ્રહાર કરે છે, જ્યારે MIRV ટેકનોલોજીથી સજ્જ અગ્નિ મિસાઈલ એકસાથે અનેક શહેરો કે સૈન્ય મથકોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ચોકસાઈ અને ટ્રેકિંગ
DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિકસિત આ મિસાઈલના ટ્રેકિંગ માટે જમીન અને જહાજ આધારિત અનેક સ્ટેશનો તૈનાત કરવામાં આવ્યા હતા. લિફ્ટ-ઓફથી લઈને પેલોડના ઈમ્પેક્ટ સુધીની તમામ ક્ષણોનું ટેલીમેટ્રી ડેટા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ ડેટા પુષ્ટિ કરે છે કે, મિશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
રક્ષામંત્રીની અભિનંદન વર્ષા
રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, ભારતીય સેના અને આ પ્રોજેક્ટમાં જોડાયેલા ઉદ્યોગોને આ મોટી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "આ સફળતા વધતા જતા જોખમો સામે દેશની સંરક્ષણ સજ્જતામાં અતુલ્ય ક્ષમતા ઉમેરશે." આ મિસાઈલના વિકાસમાં દેશભરના ઉદ્યોગોએ DRDO ને સહયોગ આપ્યો છે.
MIRV ટેકનોલોજીની વિશેષતાઓ અને ખાસિયતો
એક જ મિસાઇલ, અનેક લક્ષ્ય - MIRV ટેકનોલોજીની મુખ્ય ખાસિયત એ છે કે તે એક જ મિસાઇલ દ્વારા અનેક પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
સ્વતંત્ર નિશાન - આ મિસાઇલમાંથી છૂટા પડતા દરેક હથિયારને (રી-એન્ટ્રી વ્હીકલ) અલગ-અલગ દુશ્મન લક્ષ્યો પર સ્વતંત્ર રીતે ત્રાટકવા માટે સેટ કરી શકાય છે.
સુરક્ષા કવચને ભેદવામાં સક્ષમ- એકસાથે અનેક હથિયારો અલગ-અલગ દિશામાં છોડવાને કારણે દુશ્મન દેશની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવું અત્યંત મુશ્કેલ બની જાય છે.
વ્યૂહાત્મક સરસાઈ- ભારત હવે વિશ્વના એવા જૂજ દેશોની યાદીમાં સામેલ થયું છે જેઓ આ જટિલ ટેકનોલોજી ધરાવે છે.
આ પરીક્ષણ સાથે ભારતે પરમાણુ પ્રતિરોધક ક્ષમતામાં નવી ઊંચાઈ હાંસલ કરી છે, જે દેશની સુરક્ષા માટે એક મજબૂત કવચ સાબિત થશે. ખાસ કરીને ત્યારે જ્યારે પાડોશમાં પાકિસ્તાન અને ચીન જેવા અવળચંડા પાડોશી હોય ત્યારે ભારત પાસે આ શક્તિ ખુબ જ નિર્ણાયક સાબિત થશે.






