50 લાખ ખર્ચ્યા પછી પણ નિરાશા: નોકરીની શોધમાં ગયેલા ભારતીય વિદ્યાર્થીની પોસ્ટે ખોલી અમેરિકાની પોલ
એક ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં અભ્યાસ કરવા માટે લોન લીધી અને 50 લાખ રૂપિયા ખર્ચ્યા, પરંતુ

એક ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં અભ્યાસ કરવા માટે લોન લીધી અને 50 લાખ રૂપિયા ખર્ચ્યા, પરંતુ ડિગ્રી પૂર્ણ કર્યા પછી પણ તેને નોકરી ન મળી. તેને ભારત પાછા ફરવાની ફરજ પડી અને તે 20000 રૂપિયાની નોકરી કરી રહ્યો છે. જ્યારે તેના નિવૃત્ત પિતા દર મહિને EMI ચૂકવી રહ્યા છે. તેની આ આપવીતિ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
કલ્પના કરો, તમે તમારી બધી બચત અને ભવિષ્ય દાવ પર લગાવીને અમેરિકામાં અભ્યાસ કર્યો છે. તમે લાખોની લોન લીધી છે અને મોટા સપનાઓ સાથે વિદેશની ધરતી પર પગ મૂક્યો... પરંતુ ડિગ્રી મેળવ્યા પછી પણ તમને નોકરી ન મળી. તમારે ભારત પાછા ફરવું પડ્યું - હવે તમારા માથા પર દેવું છે અને ઓછા પગારવાળી નોકરી છે.
અભ્યાસ માટે 50 લાખ રૂપિયાની લોન
સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા એક ભારતીય ટેક પ્રોફેશનલે સોશિયલ મીડિયા પર આવી જ એક સાચી વાત શેર કરી, જે આજકાલ ઘણા વિદ્યાર્થીઓ માટે વાસ્તવિકતા બની રહી છે. તેમણે લખ્યું કે તેમના એક ઓળખીતો યુવાન માસ્ટર્સ કરવા માટે અમેરિકા ગયો હતો. તેણે પોતાના અભ્યાસ માટે 50 લાખ રૂપિયાની લોન લીધી. તેનો અભ્યાસ પૂરો થયો, તેણે ડિગ્રી મેળવી - પણ તેને એક પણ નોકરીની ઓફર ન મળી.
પરિણામ એ આવ્યું કે તે યુવાન હવે મુંબઈમાં એક સ્ટાર્ટઅપમાં માત્ર 20,000 રૂપિયા પ્રતિ માસના પગારે કામ કરી રહ્યો છે, જ્યારે તેના નિવૃત્ત પિતા દર મહિને 75,000 રૂપિયાનો માસિક હપતો ચૂકવી રહ્યા છે.
આ એ સત્ય છે જે યુનિવર્સિટીઓ તમને બતાવતી નથી
પોસ્ટમાં લખ્યું હતું - 'આ એ સત્ય છે જે યુનિવર્સિટીઓ તમને બતાવતી નથી. તે થોડા દિવસ પહેલા જ અમેરિકામાં ગ્રેજ્યુએશન સ્ટેજ પર ગયો હતો... અને હવે તે ભારતમાં પાછો ફર્યો છે. $60,000 ની ડિગ્રી, 50 લાખ રૂપિયાની લોન અને કોઈ પણ નોકરી વિના ખાલી હાથે.'
હવે પહેલા જેવું નથી રહ્યું અમેરિકાનું જોબ માર્કેટ
ટેક પ્રોફેશનલ્સનું કહેવું છે કે, આ કોઇ એક જ કિસ્સો નથી, અમેરિકાનું જોબ માર્કેટ હવે પહેલા જેવું નથી રહ્યું અને એ ખાસ કરીને ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે.'પહેલાં દરેક STEM સ્નાતકને સરળતાથી નોકરી મળતી હતી, પરંતુ હવે તેમને ત્યાં પણ સંઘર્ષ કરવો પડે છે.' જોકે, તેમણે સ્વીકાર્યું કે અમેરિકા હજુ પણ સંશોધન અને પ્રોફેશનલ ગ્રોથ માટે શ્રેષ્ઠ છે, પરંતુ સત્ય એ છે કે ત્યાં જવાથી દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન પૂર્ણ થતું નથી.
આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાની સમાન વાર્તાઓ શેર કરી અને કહ્યું કે આ વાસ્તવિકતા હવે સામાન્ય બની રહી છે. એક યુઝરે લખ્યું - 'એકદમ સાચું કહ્યું!' આપણને લિન્ક્ડ ઇનની ચમકદમક ભરી સફળતાઓની પોસ્ટ કરતાં આવી વધુ વાતો ઇમાનદારીથી બહાર આવે એની જરૂર છે.
એક યુઝરે લખ્યું છે કે, ભારતમાં પણ શિક્ષણ સારુ છે પરંતુ ત્યાંના લોકો મગજનો ઉપયોગ નથી કરતાં. પહેલા જ્યારે લોકો અમેરિકા જતા હતા, ત્યારે તેઓ પોતાનો મોટો પગાર બતાવીને બધાને પ્રભાવિત કરતા હતા. તે જમાનો અલગ હતો. હવે જો બધા ત્યાં જવા માંગે છે, તો બધાને નોકરી કેવી રીતે મળશે?
આ સમસ્યા ફક્ત અમેરિકા પૂરતી મર્યાદિત નથી
કેટલાક લોકોએ ધ્યાન દોર્યું કે આ સમસ્યા ફક્ત અમેરિકા પૂરતી મર્યાદિત નથી. એકે લખ્યું - 'યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા - દરેક જગ્યાએ પરિસ્થિતિ સમાન છે. લોકોને દુકાનદારી, સફાઈ, બર્ગર બનાવવા જેવા નાના કામ કરવા મજબૂર કરવામાં આવે છે. તમારા કિંમતી 50-60 લાખ રૂપિયા આ રીતે બગાડો નહીં.' બીજાએ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું- 'કદાચ હું પણ એ જ રસ્તે જઈ રહ્યો છું. 50 લાખની લોન, અમેરિકામાં કોઈ આવક નહીં, નોકરી શોધવામાં સંઘર્ષ, વિઝાની પરેશાની અને દરરોજનું ટેન્શન.' આ વાયરલ પોસ્ટે માત્ર યુવાનોને જ આઘાત આપ્યો નથી, પરંતુ માતાપિતાને પણ વિચારવા મજબૂર કર્યા છે, જેઓ તેમના બાળકોના વિદેશ શિક્ષણ માટે મોટી રકમ ખર્ચવાનું આયોજન કરી રહ્યા છે.






