'ચીન પર વિશ્વાસ ના કરી શકાય', ભારતીય સેના પ્રમુખે પાકિસ્તાન મુદ્દે આપ્યું મોટું નિવેદન
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે ચીન અને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે ચીન અને પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં. જ્યારે પાકિસ્તાન અંગે કહ્યું કે, તે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. પરંતુ ભારતીય સેના તમામને સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપવા તૈયાર છે.
દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ભારતીય સેના ઝડપથી આધુનિક ટેકનોલોજી અપનાવવા સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીન સાથે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ભારતીય સેના ડ્રોન ટેકનોલોજી સહિત નવી લશ્કરી ક્ષમતાઓ પર સતત કામ કરી રહી છે.
યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી
તેમણે કહ્યું કે, ભારત પાસે એવા અદ્યતન ડ્રોન છે જે AK-47 ચલાવી શકે છે અને મિસાઇલો છોડી શકે છે. જો ચીન તરફથી ડ્રોન હુમલો થાય છે, તો ભારત તેને એજ ભાષામાં વળતો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં. ભલે યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી, પરંતુ જો જરૂર પડે તો ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપવા સક્ષમ છે.
ભારત-ચીન સરહદ પર સામાન્ય સ્થિતિ
પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં 2020માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પછીની પરિસ્થિતિ અંગે સેના પ્રમુખે કહ્યું કે, હવે પરિસ્થિતિ સામાન્ય છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે બંને દેશોની સેનાઓ વાતચીત દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવતા હોઈ શાંતિ જળવાઈ રહી છે.
પાકિસ્તાન પર સેના પ્રમુખનો કડક સંદેશ
જમ્મુ અને કાશ્મીરમાં જ્યાં પહેલા આતંકવાદનો ખતરો હતો, હવે ત્યાં પર્યટન વિકસી રહ્યું છે."આપણે આતંકવાદથી પર્યટન સુધી ખૂબ આગળ નીકળી ગયા છીએ." સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઘણી સફળ કાર્યવાહી કરી છે, જેના કારણે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા આવી છે. પાકિસ્તાન અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે, તે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી એટલે ભારતીય સેનાએ હંમેશા સક્રિય રહેવું પડશે.







