મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતીય વાયુસેનાને મળ્યું તેનું પહેલું સ્વદેશી ફાઇટર જેટ, આ છે તેજસ Mk1Aની વિશેષતાઓ

ભારતે તેનું પહેલું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ મેળવ્યું છે. ભારતના

ભારતીય વાયુસેનાને મળ્યું તેનું પહેલું સ્વદેશી ફાઇટર જેટ, આ છે તેજસ Mk1Aની વિશેષતાઓ

ભારતે તેનું પહેલું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ મેળવ્યું છે. ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ, તેજસ Mk1Aએ શુક્રવારે (17 ઓક્ટોબર) સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના નાસિક ફેક્ટરીમાં તેજસનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. દરમિયાન LCA (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે HALની ત્રીજી પ્રોડક્શન લાઇન અને HTT-40 ટ્રેનર એરક્રાફ્ટ માટે બીજી પ્રોડક્શન લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આવું છે ભારતનું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ

તેજસ 4.5-જનરેશનનું મલ્ટી-રોલ ફાઇટર જેટ છે, જે હવાઈ સંરક્ષણની સાથે જમીન પર હુમલો કરવા માટે પણ સક્ષમ છે. ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ તેજસ એરક્રાફ્ટ છે, પરંતુ તેજસ Mk1A એક એડવાન્સ વર્ઝન છે જેમાં ઘણી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેજસે ઘણી ટ્રાયલ ઉડાન ભરી હતી, પરંતુ આ ઉડાન અંતિમ તૈયારીના ભાગરૂપે હતી, જેના કારણે તે વધુ ખાસ બની ગઈ છે.

MiG-21ની નિવૃત્તિ પછી તેજસ પર મોટી જવાબદારી

વાયુસેનાએ ગયા મહિને, 26 સપ્ટેમ્બરના રોજ તેના કાફલામાંથી MiG-21ને નિવૃત્ત કર્યું. IANS અનુસાર, HALનું કહેવું છે કે તેજસ Mk1Aના તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે. આ ફાઇટર જેટ બ્રહ્મોસ સહિત વિવિધ સ્વદેશી શસ્ત્રોથી સજ્જ હશે. તેજસ Mk1Aની રેન્જ 2,200 કિમી/કલાકથી વધુ છે. તે તેજસ ફાઇટર જેટનું એક એડવાન્સ વર્ઝન છે, જેમાં અપગ્રેડેડ એવિઓનિક્સ અને રડાર સિસ્ટમ્સ છે.

ભારતીય વાયુસેનાને મળશે 97 સ્વદેશી લડાયક વિમાન

ભારતીય કંપનીઓએ Mk1Aના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેના 65 ટકાથી વધુ ભાગો સ્વદેશી છે. ભારતીય વાયુસેનાને ફાઇટર વિમાનોની સપ્લાય માટે 25 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ ભારતીય વાયુસેનાને ₹62,000 કરોડથી વધુના ખર્ચે 97 સ્વદેશી લાઈટ કોમ્બૈટ એરક્રાફ્ટ પૂરા પાડવામાં આવશે.

આ સમાચાર શેર કરો